Final Up to date:
ચોરીને અંજામાથી આરોપીઓ મોજશોખ કરવા માટે મુંબઈ અને ગોવા ભાગી જતા હતા. જ્યારે અમદાવાદમાં ગુનાની તપાસ થોડી ધીમી થાય ત્યારે તે પરત આવી અન્ય કોઈ ગુનાને અંજામ આપતા હોવાની હકીકત સામે આવી છે.
અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં બનેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે. નક્ષત્ર એપાર્ટમેન્ટમાં 9 ફેબ્રુઆરીના રોજ એક ચોરીની ઘટના બની હતી, જેમાં 23 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ ચોરાયો હતો. મહત્વનું છે કે, પોલીસે આરોપીની ધરપકડ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સાથે જ આરોપીઓ માત્ર ગોવા અને મુંબઈ જેવા શહેરોમાં મોજશોખ માટે ચોરી કરતા હોવાનો ખુલાસો થયો.
જો તમે ઘર બંધ કરીને અમદાવાદ શહેરની બહાર અથવા તો અમદાવાદ શહેરમાં જ નાના-મોટા કામે જતા હોવ તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. અમદાવાદ ઝોન 1 LCB પોલીસે બે એવા આરોપીની ધરપકડ કરી છે કે, જે ઘર બંધ હોય ત્યાં રેકી કરી ચોરી કરતાં. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પણ અલગ હતી. આરોપી બાઇક લઈને નીકળતા અને બંધ મકાનોને નિશાન બનાવતા.
ઘણીવાર તેઓ પાર્સલ આપવાના બહાને એપાર્ટમેન્ટમાં પ્રવેશ કરતા અને બંધ મકાનોના તાળા તોડી ચોરી કરતા હતા. અને આવા જ બે આરોપી ફરાન ઉર્ફે ટેડી મેડી પઠાણ અને ફરાજ મોહમ્મદ અંસારી સગીરને સાથે રાખી ચોરીને અંજામ આપતા હતા. અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તાર જુના નક્ષત્ર એપાર્ટમેન્ટમાં 9 ફેબ્રુઆરીએ ચોરીની ઘટના બની હતી.
આ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી 23 લાખ રૂપિયાથી વધુના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ ઘટના બાદ નવરંગપુરા પોલીસે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે અંગે તપાસ દરમિયાન બાતમીના આધારે ફરહાનને ઝડપી પાડ્યો. ત્યારબાદ તેના સાગરિત ફરાઝ મોહમ્મદની પણ ધરપકડ કરવામાં આવી. આ ગુનામાં એક કિશોર પણ સામેલ હતો, જેની વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામા આવ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમણે ચોરીની કબૂલાત કરતા પોલીસે 14 લાખ રૂપિયાની કિંમતના દાગીના અને 2 લાખ રૂપિયાની વિદેશી ચલણી નોટો સહિત કુલ 17 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓની તપાસ કરતા હકીકત સામે આવી કે, બંને આરોપી વિરુદ્ધ ચોરીના ગુના ગોમતીપુરમાં નોંધાયેલા છે. આ ઉપરાંત ચોરીને અંજામાથી આરોપીઓ મોજશોખ કરવા માટે મુંબઈ અને ગોવા ભાગી જતા હતા. જ્યારે અમદાવાદમાં ગુનાની તપાસ થોડી ધીમી થાય ત્યારે તે પરત આવી અન્ય કોઈ ગુનાને અંજામ આપતા હોવાની હકીકત સામે આવી છે. જેથી પોલીસે ઝડપાયેલા આરોપીઓની વધુ તપાસ અને તેમની મુવમેન્ટ અંગે વધુ તપાસ શરૂ કરી છે…
નવીન ઝા
Ahmedabad,Gujarat

