Final Up to date:
જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે આ વખતે મેળામાં ભક્તોની સુવિધા અને સુરક્ષાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
જૂનાગઢ: જિલ્લામાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે ત્યારે મેળામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મેળામાં કુલ 3500 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે. મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વોચ ટાવર અને ડ્રોનથી પોલીસ મેળા પર બાજ નજર રાખશે. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે જ્યાંથી સમગ્ર મેળા પર સીધી નજર રહેશે. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ તૈનાત રહેશે. પોલીસ પોતાની ફરજ ઉપરાંત લોકોને મદદરૂપ પણ થશે. ભવનાથ તળેટી ઉપરાંત ગિરનાર પર્વત ઉપર પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. મેળા દરમિયાન ટ્રાફિક નિયમન અને ભાવિકોની સહાયતા હેતુ પ્રથમવાર 800 સ્વયંસેવકો પોલીસની સાથે જોડાશે.
ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે પરંપરાગત રીતે ઉજવાતો મહાશિવરાત્રીનો મેળો આ વખતે મીની કુંભ તરીકે ઉજવાય રહ્યો છે અને રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ વહીવટી તંત્ર દ્વારા મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે તેવી સંભાવના છે તેથી જ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ બમણી કરવામાં આવી છે. ખાસ કરીને મેળામાં સુરક્ષાની વાત કરીએ તો જૂનાગઢ પોલીસ દ્વારા આ વખતે સુરક્ષાને લઈને વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
પોલીસ બંદોબસ્તમાં ફરજ બજાવતાં કર્મચારી
- એએસપી – 1
- ડીવાયએસપી – 9
- પીઆઈ – 38
- પીએસઆઈ – 135
- પોલીસ જવાન – 1582
- ટ્રાફિક પોલીસ – 125
- એસઆરપી – 2 કંપની
- હોમગાર્ડ – 600
- જીઆરડી – 651
- QR Group – 6
- BDDS – 4 ટીમ
મેળામાં પોલીસની 35 રાવટી, 8 વોચ ટાવર, 14 પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટ્રાફિક વ્યવસ્થા માટે 10 ક્રેઈન અને 570 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોનથી સતત મેળા પર પોલીસની નજર રહેશે. ભવનાથ પોલીસ સ્ટેશન ખાતે કમાન્ડ કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. આ ઉપરાંત ભીડનો લાભ લઈને ગુના થતાં અટકાવવા 5 સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે. પોલીસની શી ટીમ ભાવિકોને મદદરૂપ થશે ઉપરાંત મેળામાં પ્રથમવાર 800 જેટલા સ્વયંસેવકો પોલીસની સાથે રહીને ટ્રાફિક નિયમન તથા ભાવિકોને મદદરૂપ થશે.
પોલીસ દ્વારા કુલ પાંચ ઝોનમાં મેળાના બંદોબસ્તને વહેંચવામાં આવ્યો
- દામોદર કુંડ ઝોન
- રૂપાયતન ઝોન
- ભવનાથ ઝોન
- ગિરનાર ઝોન
- સિટી ઝોન
ગત વર્ષે મેળામાં 8 પાર્કિંગ પોઈન્ટ હતા પરંતુ આ વખતે વાહનો માટે પ્રવેશબંધી હોવાથી પાર્કિંગ માટે 24 પોઈન્ટ ઊભા કરાયા છે. મેળામાં પાંચ સ્થળોએ 108 એમ્બ્યુલન્સ અને આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ઉપરાંત 15 સ્થળોએ પોલીસની રાવટીના પોઈન્ટ પર મેડિકલની ટીમ તૈનાત રહેશે. 5 સ્થળોએ ફાયર ફાઈટર અને 2 પોઈન્ટ પર રાહત બચાવની કામગીરીની ટીમ ફરજ પર રહેશે. આમ સમગ્ર ભવનાથ વિસ્તારમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા માટેનું આયોજન જૂનાગઢ પોલીસ દ્વારા કરાયું છે.
Junagadh,Gujarat
Feb 10, 2026 10:12 PM IST
આનંદો: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો આવતીકાલે ભવ્ય પ્રારંભ, ભક્તોની સુવિધા અને સુરક્ષાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

