Final Up to date:
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં 23 વર્ષના આરોપી નોમાન શેખે મકદુમ સાબ મસ્જિદના ધાબા પર નમાજ પઢવાનું શીખવાડવાના બહાને 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે.
અમદાવાદ: શહેરના જમાલપુર નજીક ગાયકવાડ હવેલી વિસ્તારમાં સાત વર્ષના બાળક પર એક યુવકે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યાં આ ઘટના બની છે તે વિસ્તારના સીસીટીવીના આધારે પોલીસે આરોપીને દબોચી લીધો છે અને આ સમગ્ર મામલે પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી વધુ તપાસ શરૂ કરી છે.
વિગતે વાત કરીએ તો, અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી નજીક આવેલ મકદુમ સાબ નામની મસ્જિદ આવેલી છે, જેના ધાબા પર એક 7 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની મળતી માહિતી મુજબ, આ જ વિસ્તારમાં રહેતો નોમાન શેખ નામનો શખ્સ બાળકને લલચાવી ફોસલાવી ધાબા પર લઈ ગયો હતો. બાળકને નમાજ કઈ રીતે પઢાય તે શીખવાડવાના બહાને તે મકદુમ સાબ નામની મસ્જિદના ધાબા પર લઈ ગયો હતો અને બાદમાં આ કુકર્મને અંજામ આપ્યો હતો.
હાલ આ ચોંકાવનારી ઘટનાના સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે. તેમાં આરોપી નોમાન શેખ બપોરે 1.37 વાગ્યે બાળકને ધાબે લઈ જાય છે અને બાદમાં 15થી 20 મિનિટ ધાબા પર રહ્યા બાદ 1.52 વાગ્યે આરોપી નોમાન શેખ બાળક સાથે નીચે ઉતરે છે. ત્યારે આ આખા બનાવ અંગે જાણ થતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે, સાથે ઘટનામાં પીડિત બાળકની સ્થિતિ ગંભીર હોવાથી તે હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી સામે આવી રહી છે.
આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પીઆઇ ચિરાગ ગોસાઈએ જણાવ્યું કે, આરોપીનું નામ નોમાન શેખ છે અને તેની ઉંમર 23 વર્ષની છે. જેની પ્રાથમિક તપાસમાં આરોપી વિરુદ્ધમાં અગાઉ મારામારીનો ગુનો દાખલ કરાયો હોવાનું તથ્ય સામે આવ્યું છે. તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી અગાઉ ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતો હતો અને ગઈકાલે તે નમાજ પઢવા માટે આવ્યો હતો ત્યારે આ ગુનો આચર્યો હતો.
મહત્વનું છે કે, ગાયકવાડ હવેલી વિસ્તારમાં સગીર સાથે દુષ્કર્મ મામલામાં ગાયકવાડ પોલીસે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આરોપીને સાથે રાખીને આ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જેમાં આરોપી નોમાનને લાવતા લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો. પોલીસ આરોપીને સાથે લઈ જઈ ઘટનાનું પંચનામું કર્યું હતું. સાથે પોલીસે મૌલાના પાસેથી ઘટના અંગે જાણકારી પણ મેળવી હતી.
Ahmedabad,Gujarat

