Final Up to date:
અમદાવાદ શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરમાં સગીર સહિત એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં હથિયાર રાખવાના ગુનામાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ: રખિયાલ અને ઓઢવમાંથી દેશી તમંચા અને પિસ્તોલ સાથે સગીર સહિત બે ઝડપાયા છે. જેમાં ઓઢવમાં બહેનને સોશિયલ મીડિયામાં હેરાન કરતા શખ્સને ડરાવવા સગીરે એમપી દેશી તમંચો ખરીદીને રીલ્સ બનાવી વાઇરલ કરતા ઝડપાયો છે. જ્યારે રખિયાલમાં વટવાના શખ્સ સાથે માથાકૂટ ચાલતી હતી જેથી સ્વબચાવમાં પાંચ મહિના પહેલા ઉત્તરપ્રદેશથી પિસ્તોલ ખરીદીને પોતાની પાસે રાખતા યુવક પકડાયો છે. બંને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
રખિયાલ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સોમા ટેક્સટાઈલ પાસે યુવક ટુ-વ્હીલરમાં હથિયાર વેચાણ કરવા માટે ફરી રહ્યો છે. તેના આધારે પોલીસે યુવકને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. બાદમાં તેનું નામ પૂછતા 26 વર્ષીય યામિનમિયા સૈયદ બાપુનગરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તપાસ કરતા તેની પાસેથી એક પિસ્તોલ અને 7 કારતૂસ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેની ધરપકડ કરીને પિસ્તોલ સાથે કુલ રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આરોપીની પૂછપરછ કરતા તે 90 હજાર રૂપિયામાં યુપીથી આ પિસ્તોલ અને કારતૂસ લાવ્યો હોવાનું સામે આવ્યું છે. તેમજ અગાઉ યામીન શેખ સાથે વટવામાં મારામારી થઈ હતી. જેથી સ્વબચાવ માટે તેણે 5 મહિના પહેલા ઉત્તરપ્રદેશના બુલંદ શહેરમાંથી ખરીદ્યું હતું. પકડાયેલો આરોપી લેથ મશીનમાં કામ કરે છે. જોકે તેનો કોઈ ગુનાહિત ઇતિહાસ પોલીસને મળી આવ્યો નથી. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
બીજી તરફ ઓઢવ પોલીસે બાતમીના આધારે અમરનગરના ગેટ પાસેથી એક સગીરને દેશી તમંચા અને 4 જીવતા કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી દેશી તમંચા સહિત કુલ રૂ. 10 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી સગીરની પૂછપરછ કરતા સાત મહિના પહેલા લગ્ન પ્રસંગમાં મધ્યપ્રદેશ ગયો હતો ત્યારે એક શખ્સ પાસેથી રૂ. 700માં ખરીદ્યો હતો. તેમજ તેની પિતરાઈ બહેનને ઇન્સ્ટાગ્રામ પર એક શખ્સ હેરાન કરતો હતો. જેથી સગીર અને યુવતીનો સગો ભાઈ શખ્સને સમજાવવા જતા તેને મારામારી કરી હતી. જેમાં યુવતીના પિતાએ અરજી કરી હતી. જ્યારે તેને ડરાવવા માટે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટમાં હથિયાર સાથે રીલ્સ બનાવતો હતો. આ અંગે ઓઢવ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
Ahmedabad,Gujarat
Jan 27, 2026 10:14 PM IST
અમદાવાદમાં બે ચોંકાવનારા કિસ્સા: બહેનને હેરાન કરતા શખ્સને ડરાવવા સગીરે તમંચો ખરીદ્યો, અન્ય આરોપીએ સ્વબચાવમાં પિસ્તોલ ખરીદી

