Final Up to date:
સેટેલાઇટ પોલીસે એક ગેરકાયદે કોલસેન્ટરનો પર્દાફાશ કરીને ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેઓ સોસાયટીની ઓફિસમાં બેસીને ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા અને હાઇબ્રીડ ગાંજાનો વેપાર કરતા હતા. પોલીસે કુલ રૂ. 12.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદ : અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા ગેરકાયદે કોલસેન્ટર ચલાવનારાઓ પર પોલીસે તવાઈ બોલાવી છે. તેવામાં સોસાયટીની જ ઓફિસમાં બેસીને કેટલાક ગઠિયાઓએ ગેરકાયદે કોલસેન્ટર શરૂ કર્યું હોવાનો પર્દાફાશ થયો છે. સેટેલાઇટ પોલીસે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલી શુભદર્શન સોસાયટીમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન સોસાયટીની જ ઓફિસમાં બેસીને અમેરિકાના નાગરિકોને લોન આપવાના નામે ફોન કરીને ગેરકાયદે કોલસેન્ટર ચલાવતા રીઢા આરોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપીઓ સોસાયટીની ઓફિસમાં જ બેસીને હાઇબ્રીડ ગાંજો રાખીને ત્યાંથી જ વેચાણ કરતા હોવાનો પણ પર્દાફાશ થયો છે. પોલીસે હાઇબ્રીડ ગાંજો, ડિલીવરી કરવા માટેના વાહનો અને લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
સેટેલાઇટ પોલીસે બોગસ કોલસેન્ટર બાબતે બાતમી આધારે પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલી શુભદર્શન સોસાયટીમાં રેડ કરી હતી. સોસાયટીની જ કોમન ઓફિસમાં પોલીસે રેડ કરીને આરોપી કૃણાલ ઉર્ફે સાહીલ દેસાઇ (રહે. શુભદર્શન એપા. સેટેલાઇટ), દિપ જાદવ (રહે. કવિશા અમારા સોસા., શેલા), હર્ષિલ દાવડા (રામદેવનગર-મૂળ સુરેન્દ્રનગર) અને કૃણાલ મિસ્ત્રી (રહે. રુદ્રાક્ષ એપા., આનંદનગર)ને ઝડપી લીધા છે. પોલીસે ગેરકાયદે કોલસેન્ટર માટે ઉપયોગમાં લેવાયેલા લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરી છે. મુખ્ય આરોપી કૃણાલ દેસાઇ આ જ સોસાયટીમાં રહેતો હોવાથી તેણે કોઈને શંકા ન જાય તે માટે સોસાયટીની ઓફિસમાં ગેરકાયદે બોગસ કોલસેન્ટર શરૂ કર્યું હતું. આરોપીઓ પાસેથી મળી આવેલા લેપટોપમાંથી અમેરિકન નાગરિકોનો ડેટા અને અંગ્રેજીમાં લખેલી સ્ક્રીપ્ટ પણ મળી આવી છે. આરોપીઓ અમેરિકાના કેલિફોર્નિયાના નાગરિકોને લોન આપવાના બહાને ફોન કરીને પે ડે પ્રોસેસથી ગેરકાયદે કોલસેન્ટર ચલાવીને નાણાં મેળવીને છેતરપિંડી આચરતા હોવાનું સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે બોગસ કોલસેન્ટરનો રૂ. 1.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આરોપીઓ પાસેથી 4.43 લાખનો 26.840 ગ્રામ હાઇબ્રીડ ગાંજો તથા ગાંજાની ડિલીવરી માટેના વાહનો મળીને કુલ રૂ. 12.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરોપીઓએ ગત તા.18મીથી જ આ સોસાયટીની ઓફિસમાં બોગસ કોલસેન્ટર શરૂ કર્યું છે. કોઈને શંકા ન જાય તે માટે સોસાયટીના લોકો સૂઈ ગયા બાદ આરોપીઓ મોડીરાત્રે ઓફિસમાં બેસીને ઠગાઈનો ખેલ ખેલતા હતા. આરોપીઓની પૂછપરછમાં ગાંજાની ડિલીવરીનું પણ નેટવર્ક ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ અહીં જ ગાંજો રાખતા હતા અને ગ્રાહકોને ડિલીવરી કરતા હતા. આરોપીઓ પાસેથી ગાંજાના વેચાણના રૂ. 28 હજાર પણ મળી આવ્યા છે. આરોપીઓ દોઢ વર્ષથી હાઇબ્રિડ ગાંજાનું વેચાણ કરતા હતા. મુખ્ય આરોપી કૃણાલ ઉર્ફે સાહીલ દેસાઇ સામે અગાઉ એટ્રોસિટી, રાયોટિંગ સહિત અનેક પ્રકારના 12 જેટલા ગુના નોંધાયા છે. તે જ કોલસેન્ટર અને ગાંજાના નેટવર્કનો માસ્ટર માઇન્ડ છે.
Ahmedabad,Gujarat
Feb 27, 2026 11:16 PM IST

