Final Up to date:
સુરતના ઓલપાડ ખાતે રહેતા જાગૃતિબેન પટેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. જોકે તેઓ બ્રેઈન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવાર દ્વારા તેમના ઓર્ગન ડોનેટ કરીને અન્ય લોકોને નવું જીવન આપવામાં આવ્યું છે.
સુરત: “મૃત્યુ પછી પણ જીવન આપવાનું નામ છે – અંગદાન.” આ વિચારને જીવંત સાબિત કરતી એક હ્રદયસ્પર્શી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. કરંજ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા જાગૃતિબેન દિલીપભાઈ પટેલના પરિવારે દુઃખની ક્ષણોમાં પણ માનવતાનો મહાન દાખલો બેસાડ્યો છે. બ્રેઈન ડેડ જાહેર થયા બાદ જાગૃતિબેનના પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેમના જમણા હાથ અને ચક્ષુઓનું દાન કરીને ત્રણ વ્યક્તિઓને નવું જીવન અને નવી દૃષ્ટિ આપી છે.
શહેરના ઓલપાડ ખાતે રહેતા 48 વર્ષીય જાગૃતિબેન પટેલ તા. 5 ફેબ્રુઆરીના રોજ મેલડી માંના મંદિરની સાલગીરી નિમિત્તે આયોજિત ભજન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન અચાનક તેમનું બ્લડ પ્રેશર વધતાં તેઓ બેભાન થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરતની મહાવીર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. CT સ્કેન બાદ તેમને બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. જાગૃતિબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ દુઃખદ સમાચાર બાદ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો, છતાં તેમણે સમાજ માટે મહાન નિર્ણય લેવાનો સંકલ્પ કર્યો. પરિવારના સભ્ય અંકુર પટેલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાના CEO અને ટ્રસ્ટી નિરવ માંડલેવાલાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોનેટ લાઈફની ટીમે મહાવીર હોસ્પિટલ પહોંચીને જાગૃતિબેનના પતિ દિલીપભાઈ, પુત્રીઓ હની અને ધ્વની, પુત્ર પ્રિન્સ, પિતા શાંતુભાઈ, ભાઈ મનીષભાઈ, જમાઈ નિકુંજકુમાર તથા અન્ય પરિવારજનોને અંગદાનનું મહત્વ અને સમગ્ર પ્રક્રિયા વિશે સમજાવ્યું હતું.
પરિવારજનોએ આધ્યાત્મિક માર્ગદર્શન માટે ગુરુહરી પ્રબોધ સ્વામીજી તથા ગુરુપ્રસાદ સ્વામીનો સંપર્ક કર્યો હતો. સ્વામીજીએ સમજાવ્યું કે પંચમહાભૂતથી બનેલો દેહ પંચમહાભૂતમાં વિલીન થાય છે, પરંતુ અંગદાન દ્વારા અન્ય જરૂરિયાતમંદોને નવજીવન મળે છે. આ આશીર્વાદ બાદ પરિવારે અંગદાન માટે સંમતિ આપી હતી. પરિવારજનોએ કિડની, લિવર, હૃદય, ફેફસા, હાથ અને ચક્ષુઓના દાન માટે સંમતિ આપી હતી. જો કે મેડિકલ કારણોસર કિડની, લિવર, હૃદય અને ફેફસાની ફાળવણી શક્ય બની ન હતી.
ગુજરાતમાં હાથ માટે કોઈ જરૂરિયાતમંદ દર્દી ન મળતાં NOTTO દ્વારા જાગૃતિબેનનો જમણો હાથ ચેન્નાઈની ગ્લેનીગલ્સ હેલ્થસીટી હોસ્પિટલને ફાળવવામાં આવ્યો હતો. ચેન્નાઈની ગ્લેનીગલ્સ હેલ્થસીટી હોસ્પિટલના ડૉ. અરવિંદ મહારાજ અને તેમની ટીમ સુરત આવી હાથનું દાન સ્વીકારી ગયું હતું. ત્યારબાદ તમિલનાડુના રહેવાસી 17 વર્ષીય યુવકમાં ચેન્નાઈ ખાતે ડૉ. સેલ્વા સીતારામન શક્તિપાલન અને તેમની ટીમ દ્વારા સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જ્યારે ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. હાથને સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધી સુરત શહેર પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત શહેર પોલીસે અત્યાર સુધી 141 ગ્રીન કોરિડોર બનાવી મહત્વના અંગોને સમયસર દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ‘ઓર્ગન ડોનર સિટી’ તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ડોનેટ લાઈફ સંસ્થાએ અત્યાર સુધી કુલ 1371 અંગો અને ટિશ્યુઓનું દાન કરાવી 1263થી વધુ લોકોના જીવનમાં આશાનો પ્રકાશ પાથર્યો છે. માનવતાના આ મહાયજ્ઞમાં અમૂલ્ય અંગોનું દાન કરનાર સ્વ. જાગૃતિબેન દિલીપભાઈ પટેલના પરિવારને ડોનેટ લાઈફ સંસ્થાએ ભાવભીની વંદના અર્પી છે. તેમના આ સેવાભાવ અને સાહસિક નિર્ણયથી સમાજ માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ ઉભું થયું છે.
Feb 09, 2026 11:33 PM IST

