Final Up to date:
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રજૂ થનાર આ અંદાજપત્રમાં શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ ગ્રાન્ટ, માર્ગ-મકાન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્માર્ટ સુવિધાઓ માટે મોટા ફાળવણીના સંકેત છે.
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આવતીકાલે તા. 18 ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ થવા જઈ રહ્યું છે. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં પાંચમી વખત બજેટ રજૂ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ વખતનું બજેટ ‘ફુલ ગુલાબી’ રહે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા જોર પકડી રહી છે. સાથે સાથે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી માળખાગત સુવિધાઓ અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ભાર મુકાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતના બજેટ ઇતિહાસમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે નોંધાયેલો છે. તેમણે કુલ 18 વખત રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું, જે આજે પણ અખંડિત રેકોર્ડ તરીકે માનવામાં આવે છે. બીજા ક્રમે પૂર્વ નાણાંમંત્રી નિતિન પટેલે 9 વખત બજેટ રજૂ કર્યું છે. આ પૃષ્ઠભૂમિ વચ્ચે કનુભાઈ દેસાઈનું પાંચમું બજેટ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ ગણાઈ રહ્યું છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રજૂ થનાર આ અંદાજપત્રમાં શહેરો અને નગરપાલિકાઓ માટે વિશેષ ગ્રાન્ટ, માર્ગ-મકાન, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા અને સ્માર્ટ સુવિધાઓ માટે મોટા ફાળવણીના સંકેત છે. અર્બન ડેવલપમેન્ટ વિભાગને વધારાનો ફાળો મળવાની શક્યતા છે, જેથી શહેરોમાં દેખાવા લાયક વિકાસ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરી શકાય.
સાથે જ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને રમતગમત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટેડિયમ અપગ્રેડેશન, ટ્રાન્સપોર્ટ કનેક્ટિવિટી અને હોટેલ-ટુરિઝમ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે નાણાકીય જોગવાઈઓ થઈ શકે છે. રાજ્યને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોજેક્ટ કરવા અને રોકાણ આકર્ષવા માટે વિશેષ યોજનાઓની જાહેરાત થવાની સંભાવના છે.
છેલ્લા 25 વર્ષમાં ગુજરાત સરકારે સતત વધતા કદ સાથે બજેટ રજૂ કર્યા છે. રાજ્યની આર્થિક વૃદ્ધિ, ઔદ્યોગિક રોકાણ અને કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને બજેટનું કદ દર વર્ષે વિસ્તરતું ગયું છે. ગત વર્ષના બજેટની સરખામણીએ આ વર્ષે અંદાજે 15 ટકાનો વધારો નોંધાઈ શકે છે, જેને કારણે આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ સાબિત થઈ શકે છે.
મધ્યમ વર્ગ, નાના વેપારીઓ અને ખેડૂતો માટે ખાસ રાહતની જાહેરાતો થવાની આશા છે. રોજિંદા જીવનને સરળ બનાવતી યોજનાઓ, સબસિડી, હાઉસિંગ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવી પહેલો જાહેર થવાની શક્યતા છે. ‘ઘર-ઘર સુધી સરકાર’ના સૂત્રને અનુરૂપ ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર અને ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર પણ ભાર મૂકાઈ શકે છે.
Gandhinagar,Gujarat

