Final Up to date:
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા ફરી ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમના PAએ 7.15 લાખની છેતરપિંડી અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ ફેક એકાઉન્ટ અને જાનથી મારી નાખવાની ધમકીના મામલાથી પણ તેઓ સમાચારમાં આવ્યા હતા.
જૂનાગઢ: ધારાસભ્ય સંજય કોરડીયા હાલ ફરી સમાચારમાં આવ્યા છે. આ વખતે તેમની સાથે રૂ. 7.15 લાખની છેતરપિંડી થઈ હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જે મામલે તેમના PAએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે, આ અગાઉ ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનો તથા તેમના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો, ત્યારે ફરી એકવાર તેમની સાથે જોડાયેલો આ છેતરપિંડીનો મામલો સામે આવતા આ બાબત હાલ ચકચાર મચાવી રહી છે.
વિગતે વાત કરીએ તો, જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયા સાથે હાલ છેતરપિંડીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર તેમને જોર્જિયા દેશ જવા માટે સ્પાર્કલ હોલિડેસ કંપની મારફતે ફ્લાઈટ બુક કરાવી હતી. જોકે ઈરાન યુદ્ધના કારણે આ ફ્લાઇટ રદ થઈ હોવા છતાં કંપનીએ તેઓને રૂપિયા પરત કર્યા ન હોવાનું સામે આવ્યું છે. જે મામલે ધારાસભ્યના PAએ રૂ. 7.15 લાખની છેતરપિંડી થઈ હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
નોંધનીય છે કે, ધારાસભ્ય સંજય કોરડીયા અગાઉ પણ આવી બાબતોને કારણે સમાચારમાં આવી ચૂક્યા છે. આજથી 3 મહિના અગાઉ ડિસેમ્બર 2025માં તેમના નામે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવાયું હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સોએ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર તેમના નામે ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. આ ફેક એકાઉન્ટમાં ધારાસભ્યના ફોટાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બાદમાં આ મામલે ધારાસભ્યના PA દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
આ ઉપરાંત આજથી પાંચેક માસ અગાઉ ઓક્ટોબર 2025ના અંતમાં ધારાસભ્ય સંજય કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકીનો મામલો પણ સામે આવ્યો હતો. તે સમયે ધારાસભ્ય સંજય કોરડીયાને કોઈ ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં આશ્રમ રિનોવેશનના નામે 35 લાખ રૂપિયા ખંડણી કે દાન આપવા માટે જણાવ્યું હતું અને જો MLA આ દાન ન આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
આ ઉપરાંત, તે શખ્સે પહેલા 30 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી હતી અને બાદમાં પાંચ લાખ રૂપિયાની માંગ કરી હતી. મેસેજમાં ધારાસભ્યને અમદાવાદમાં આંગળિયું કરવા સૂચના આપવામાં આવી હતી. આ મેસેજ મળ્યા બાદ ધારાસભ્યએ તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી, જે મામલે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા સાથે 7.15 લાખની છેતરપિંડીનો મામલો સામે આવતા આ MLA હાલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
Junagadh,Gujarat
Feb 26, 2026 12:28 PM IST

