Final Up to date:
કોર્ટે પોતાના આદેશમાં CBIની તપાસ પર કઠોર ટિપ્પણી કરતા કહ્યું કે, ચાર્જશીટમાં ગંભીર ખામીઓ છે અને કોઈ પણ પૂરાવા અથવા નિવેદનથી આરોપ સ્પષ્ટ રીતે સાબિત થતા નથી.
નવી દિલ્હી: દિલ્હીની સ્થાનિક કોર્ટ રાઉઝ એવન્યૂ કોર્ટમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિત તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે. કોર્ટ તરફથી ઓર્ડર મળ્યા બાદ તેમણે મીડિયા અને પોતાના કાર્યકર્તાઓને સંબોધન કરતા કોર્ટના ચુકાદાને તેમણે ઐતિહાસિક ગણાવ્યો. તેમણે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણીમાં જીતવાની રીત નહોતી મળતી, ત્યારે તેમણે ઈડી, સીબીઆઈ અને પોલીસને મારી પાછળ છોડી દીધી.
કોર્ટે પોતાના આદેશમાં CBIની તપાસ પર કઠોર ટિપ્પણી કરતા કહ્યું કે, ચાર્જશીટમાં ગંભીર ખામીઓ છે અને કોઈ પણ પૂરાવા અથવા નિવેદનથી આરોપ સ્પષ્ટ રીતે સાબિત થતા નથી. કોર્ટે કહ્યું કે, ઉપલબ્ધ રેકોર્ડ અને પૂરાવા આરોપ નક્કી કરવા માટે ખરા ઉતરતા નથી. એટલા માટે આરોપ નક્કી કરવાનો કોઈ આધાર બનતો નથી. આ મામલામાં કૂલ 23 આરોપીઓને રાહત મળી છે. કોર્ટના ચુકાદા બાદ રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે અને તેને દિલ્હીની રાજનીતિમાં મહત્ત્વના વળાંક લાવી દીધો છે.
કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. કેજરીવાલે જણાવ્યું હતું કે, જજ સાહેબે ઘણી હિમ્મત બતાવી. ભાજપે લિકર સ્કેમ શબ્દનો ઉપયોગ કર્યો. 4 વર્ષ મને હેરાન કર્યો. તેમણે આગળ કહ્યું કે, આ લડાઈમાં સાથ આપનારા તમામનો આભાર. કોર્ટે કહ્યું કે, એટલો બનાવટી કેસ છે કે કોઈ સાક્ષી નથી, આમાં કેસ પણ ન ચલાવી શકાય. કોર્ટે આખા કેસને બનાવટી ગણાવ્યો. કાવતરું કરીને લિકર સ્કેમમાં આરોપ લગાવ્યા.
કેજરીવાલે આગળ જણાવ્યું કે, જનતા જાણે છે કે આમ આદમી પાર્ટી ઈમાનદાર પાર્ટી છે. તેમણે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, આજે મારા દિલ પરથી બહુ મોટો બોજ ઉતરી ગયો. કેસ વિના મને અને મારા સહયોગીઓને ચાર વર્ષ સુધી હેરાન કર્યા.
આપ પ્રમુખ કેજરીવાલે આગળ કહ્યું કે, દેશભરના લોકો જેમણે આ કપરા સમયમાં અમારો સાથ આપ્યો હું તેમને આભાર વ્યક્ત કરું છું. તમે જાણો છો કે કેવી રીતે છેલ્લા 4 વર્ષથી ઈડી, સીબીઆઈ અને બધી સંસ્થાઓનો ઉપયોગ કરી અમારા પર લિકર સ્કેમ નામનો એક આરોપ લગાવી દીધો. સીબીઆઈ અને ઈડીએ તેમાં ચાર્જશીટ દાખલ કરી. આજે કોર્ટે લગભગ 600 પાનાના આદેશમાં કહ્યું કે, એટલા પણ પૂરાવા નથી કે તેમાં કેસ પણ ચલાવી શકાય. કોર્ટનું કહેવું છે કે આટલો ખોટો, નકલી કેસ છે કે તેમાં કેસ પણ ચલાવી શકાય નહીં. આ આખું કાવતરું કોણે રચ્યું? આ આખું કાવતરું પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે રચ્યું, આ બંનેએ દેશ પાસે માફી માગવી જોઈએ. તેમણે કહ્યું કે, હું આપને પૂછું છું કે કેજરીવાલ જેલ ગયા, શું રોબર્ટ વાડ્રા જેલ ગયા? સંજય સિંહ જેલ ગયા, શું રાહુલ ગાંધી જેલમાં ગયા? મનીષ સિસોદીયા જેલ ગયા, શું સોનિયા ગાંધી જેલ ગયા? કોંગ્રેસી કયા મોઢે વાતો કરે છે, તેમને શરમ આવવી જોઈએ.

