Final Up to date:
Distinctive Tea Recipe: ભારતીયો માટે ચા એ માત્ર પીણું નથી, પણ એક લાગણી છે. સવારની શરૂઆત હોય કે ઓફિસનો થાક, એક કપ કડક ચા બધું જ ઠીક કરી દે છે. સામાન્ય રીતે આપણે દૂધ, પાણી અને ચાની પત્તી ઉકાળીને ચા બનાવતા હોઈએ છીએ, પરંતુ હાલમાં ઇન્ટરનેટ પર ચા બનાવવાની એક એવી અનોખી રીત વાયરલ થઈ રહી છે જે જોઈને તમે પણ ચોંકી જશો. આ રેસીપીનું નામ છે ‘દીવા વાળી ચા’
Cooking Suggestions: દર 10 ભારતીયોમાંથી 8-9 તો ચા પીવાના શોખીન હોય જ છે. સવારે ઉઠતાની સાથે જ ટી પીનારાઓને જો ગરમાગરમ એક પ્યાલી ચા ન મળે તો તેમની સવાર જ પડતી નથી. કડક ગરમાગરમ ચા પીતાની સાથે જ મૂડ ફ્રેશ થઈ જાય છે. સામાન્ય રીતે દરેક ઘરમાં સૌથી વધુ દૂધવાળી ચા જ પીવામાં આવે છે. ચાના તપેલીમાં દૂધ, પાણી, ચાની પત્તી, ખાંડ નાખી, 2-3 મિનિટ ઉકાળીને ગાળી લીધી. કેટલાક લોકો મસાલા ચા પીવાનું પસંદ કરે છે, જેમાં ઈલાયચી પાવડર, તજ, લવિંગ, આદુ નાખવાનું પસંદ કરે છે. કેટલાક લોકો વજન ઘટાડવા માટે બ્લેક ટી, લેમન ટી, હર્બલ ટી, ગ્રીન ટી વગેરે પણ પીવે છે. દરેક ચા બનાવવાની પોતાની રીત છે, પણ શું તમે ક્યારેય ચાના વાસણમાં દીવા નાખીને ચા બનાવવાની અનોખી રીત વિશે સાંભળ્યું કે જાણ્યું છે? ચાલો જાણીએ અહીં કે આખરે શું છે દીવાવાળી ચા બનાવવાની રીત, ચા બનાવવામાં દીવાનું શું કામ છે?
તમે સામાન્ય રીતે દૂધવાળી ચા બનાવવા માટે ચાના વાસણમાં પહેલા પાણી, દૂધ નાખતા હશો, પછી ખાંડ, ચાની પત્તી, થોડું આદુ અને તેને ઉકાળીને ચાને કપમાં ગાળી લેતા હશો. પરંતુ દીવા ચા ખૂબ જ અનોખી છે. તેને બનાવવાની રીત બિલકુલ તેવી નથી જેવી તમે દરરોજ દૂધવાળી ચા બનાવો છો. આ દીવા વાળી ચાની રેસીપી streetfoodinkitchen નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. જોકે, તેને તંદૂરી ચા (Tandoori Chai) નામ આપવામાં આવ્યું છે, પરંતુ તેને બનાવવા માટે દીવાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, તેથી તેને દીવા વાળી ચા કહેવી પણ ખોટું નહીં હોય.
દીવા ચા બનાવવા માટેની સામગ્રીની વાત કરીએ તો, દૂધ, ખાંડ, ચાની પત્તી, બે દીવા (કોડિયા), વાટેલું આદુ અને ઈલાયચી પાવડર જોઈએ. સૌ પ્રથમ તમે ગેસ પર ચાનું તપેલું રાખો. હવે તેમાં પહેલા 3 મોટી ચમચી ખાંડ, 1 મોટી ચમચી ચાની પત્તી નાખો. તેને થોડી સેકન્ડ સુધી સારી રીતે મિક્સ કરો. ખાંડ ગરમ થઈને ઓગળી જશે. જ્યારે તે સોનેરી રંગની થાય ત્યાં સુધી પાકી જાય, ત્યારે વાસણમાં બે માટીના સાફ દીવા મૂકી દો. હવે તેમાં એક કપ દૂધ નાખો. થોડી સેકન્ડ ઉકળી જાય એટલે તેમાં વાટેલું આદુ અને ઈલાયચી પાવડર પણ ઉમેરી દો. તેને બે મિનિટ માટે વધુ ઉકાળો. વાસણમાંથી દીવા કાઢી લો. હવે કપમાં ચાને ગરણીની મદદથી ગાળી લો. તૈયાર છે દીવા વાળી ટેસ્ટી ચા. અત્યાર સુધી તમે આ રીતે ચા નહીં બનાવી હોય. ટપરી વાળી ચા પણ આની આગળ ફેલ લાગશે. શિયાળો હોય, ઉનાળો હોય કે વરસાદ દરેક સિઝનમાં ચા પ્રેમીઓ આ ચા પીવાનું પસંદ કરશે.

