Final Up to date:
Valentine’s Day Particular Love Story: વેલેન્ટાઈન ડે એટલે માત્ર ગુલાબ, ગિફ્ટ અને પ્રપોઝલનો દિવસ નહીં, પરંતુ દિલ અને આત્માના નિર્મળ ભાવોને વ્યક્ત કરવાનો પવિત્ર અવસર. આજના સમયમાં જ્યાં સંબંધો ઝડપથી બંધાય છે અને તૂટે પણ એટલી જ ઝડપથી છે, ત્યાં રાજકોટની જ્યોતિબેન અને ઉમેશભાઈ રાજ્યગુરૂની પ્રેમકથા સમાજ માટે પ્રેરણારૂપ બની છે. એક કાર્યક્રમનું આમંત્રણ, એક ગુલાબની સ્ટીક અને એક પત્રથી શરૂ થયેલી આ કહાની આજે “લવ મેરેજ” કે “અરેન્જ મેરેજ” નહીં પરંતુ તેઓ જેને “ડિવાઈન મેરેજ” કહે છે એવા દિવ્ય સંબંધમાં ફેરવાઈ ગઈ છે.
રાજકોટ: વેલેન્ટાઈન ડે એટલે માત્ર ગુલાબ, ગિફ્ટ કે પ્રપોઝલનો દિવસ નથી, પણ હૃદયના નિર્મળ ભાવોને વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. આજના સમયમાં જ્યાં સંબંધો ઝડપથી બંધાય છે અને તૂટે પણ એટલી જ ઝડપથી છે, ત્યાં કેટલીક પ્રેમકથાઓ એવી હોય છે જેને માત્ર “લવ મેરેજ” કે “અરેન્જ મેરેજ” કહીને વ્યાખ્યાયિત કરી શકાતી નથી. એ સંબંધો પરમાત્માની રચના જેવા લાગે છે. જ્યોતિબેન અને ઉમેશભાઈ રાજ્યગુરૂની પ્રેમકથા એવી જ એક અનોખી અને દિવ્ય કહાની છે જ્યાં એક કાર્યક્રમનું આમંત્રણ જીવનભરના સંબંધમાં ફેરવાયું, એક ગુલાબની સ્ટીક પ્રણયનો પ્રારંભ બની અને એક પત્રે બે આત્માઓને સદાકાળ માટે જોડીને રાખ્યા. તેઓ પોતાના લગ્નને લવ મેરેજ કે અરેન્જ મેરેજ નહીં, પરંતુ “ડિવાઈન મેરેજ” કહે છે કારણ કે તેઓ માને છે કે આ સંબંધ ઈશ્વરે જ રચ્યો છે.
જ્યોતિબેન ઉમેશભાઈ રાજ્યગુરૂ પોતાની પ્રેમકથા વિશે કહે છે કે અમે “તોરણ ગ્રુપ” ચલાવતા હતાં, જે ગરબાનું ગ્રુપ હતું. એ સમયમાં “તોરણને ટોડલે ટહુક્યા મોર” નામનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માટે અમે ઉમેશ રાજ્યગુરૂને આમંત્રણ આપવા ગયા હતા, કારણ કે તે સમયે તેઓ સાંસ્કૃતિક વિભાગના મંત્રી હતા. જ્યોતિબેન કહે છે કે જ્યારે હું પ્રથમવાર ઉમેશજીના ઘરમાં પ્રવેશી, ત્યારે મને અચાનક જ એક અજાણ્યું પોતાનાપણું લાગ્યું. અને જ્યારે મેં તેમને જોયા, ત્યારે એવું લાગ્યું કે જાણે હું તેમને પહેલેથી જ ઓળખું છું. ત્યારબાદ મેં તેમને કાર્યક્રમ માટેનું આમંત્રણ આપ્યું અને તેઓ કાર્યક્રમમાં હાજર પણ રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન અમારા ગુરુએ કહ્યું કે સન્માન તો જ્યોતિનું પણ થવું જોઈએ. એ સમયે બુકે પૂરા થઈ ગયા હતા. ત્યારે ઉમેશે એક રોઝ શોધ્યું અને રોઝ સ્ટીક મને આપી. જ્યોતિબેન કહે છે કે એ રોઝની સ્ટીક મારા માટે એક ખાસ યાદગાર ક્ષણ બની ગઈ… પછી મેં તેમને એક પત્ર લખ્યો. પત્રમાં મેં લખ્યું કે “મને તમારા માટે એક ઇલ્યુઝન થાય છે… શું તમને પણ એવું થાય છે?” ત્યારબાદ મેં મારા ગુરુ નાથાભાઈ જોષીને પૂછ્યું કે મને જે અનુભવ થાય છે, એ સાચો છે કે માત્ર ભ્રમ? ત્યારે ગુરુએ કહ્યું કે “ના, આ ઇલ્યુઝન નથી. તારા લગ્ન એમની સાથે જ થવાના છે.”
પછી જ્યારે પાંડુરંગ દાદા વૃક્ષમંદિર ખાતે પધાર્યા, ત્યારે ઉમેશજીને પણ જાણ થઈ કે હું પાંડુરંગ દાદાની ખૂબ નજીક છું. એટલે તેઓ પણ ત્યાં આવ્યા હતા. પરંતુ જ્યારે અમે બહાર નીકળ્યા, ત્યારે ઉમેશે મને કહ્યું કે “હું તો ભાડાના મકાનમાં રહું છું, તમને ફાવશે ને?” ત્યારે મેં સ્પષ્ટ જવાબ આપ્યો કે મેં કંઈ જોઈને પ્રપોઝ નથી કર્યું. મને જે અનુભવ થયો, એના આધારે જ મેં પ્રપોઝ કર્યું છે. જ્યોતિબેન કહે છે કે જેમ રુક્મિણીજીએ શ્રીકૃષ્ણને પત્ર લખ્યો હતો, એમ મેં પણ પત્ર લખીને ઉમેશને પ્રપોઝ કર્યું હતું. જ્યોતિબેન સ્પષ્ટ કહે છે કે આ અમારા લવ મેરેજ કે અરેન્જ મેરેજ નથી, પરંતુ ડિવાઈન મેરેજ છે. પૂજ્ય નાથાભાઈ જોષીએ પોતાના પુસ્તકમાં પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યોતિ અને ઉમેશના લગ્ન મા જગદંબાએ કરાવ્યા છે. અમે માનીએ છીએ કે અમને ઈશ્વરે મળાવ્યા છે.
જ્યોતિબેનનું માનવું છે કે જો તમારા પ્રેમમાં સચ્ચાઈ અને તાકાત હોય, તો ડરવાની જરૂર નથી. પરંતુ જો સમજ ન પડતી હોય, તો વડીલોને પૂછ્યા વગર આગળ વધવું યોગ્ય નથી. ઘણી વખત જે લાગણી હોય છે, તે માત્ર આકર્ષણ પણ હોઈ શકે. અને જ્યારે આકર્ષણ પૂર્ણ થાય છે, ત્યારે સત્ય સમજાય છે. આજના સમયમાં જેટલા લગ્ન થાય છે, તેનાથી વધુ લગ્ન તૂટી પણ જાય છે… એથી સંબંધમાં આધ્યાત્મિકતા અને વિશ્વાસ હોવો જરૂરી છે.
ઉમેશભાઈ કહે છે કે હું પૂરો સમય પાર્ટીને આપતો હતો. રાજકીય જીવન અને કાર્યમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત હતો. તે સમય દરમિયાન હું કુસ્તી પણ કરતો હતો. જીવનમાં ઘણો સંઘર્ષ હતો, એટલે બીજું કંઈ વિચારવાનો સમય જ નહોતો. પરંતુ કદાચ ઈશ્વરનું લખાણ કંઈક અલગ જ હતું. એક આમંત્રણથી શરૂ થયેલી ઓળખાણ, એક રોઝથી વ્યક્ત થયેલો ભાવ અને એક પત્રથી મજબૂત બનેલો વિશ્વાસ-આ બધું મળીને એક દિવ્ય સંબંધમાં ફેરવાયું. આ વેલેન્ટાઈન પર તેમની કહાની એ સંદેશ આપે છે કે સાચો પ્રેમ માત્ર દિલથી નહીં, પરંતુ આત્માથી જોડાય છે. અને જ્યારે બે આત્માઓને ઈશ્વર મળાવે, ત્યારે એ સંબંધને જ કહેવાય ડિવાઈન મેરેજ.
