અમદાવાદ ટી20 વર્લ્ડ કપના રંગમાં રંગાઈ ગયું છે, સ્ટેડિયમ પાસે સવારથી લોકોની ભીડ એકઠી થઈ રહી હતી, હવે જેમ-જેમ સાંજ ઢળી રહી છે તેની સાથે ટીમમાં અંતિમ 11માં કોના માટે જગ્યા બનશે અને કોણ બહાર થશે તેની અને ખેલાડીઓના આંકડા અને પ્રદર્શનની ચર્ચાઓ થવા લાગી છે. અમદાવાદમાં ફાઈનલ મેચ રમાઈ રહી છે ત્યારે ત્રણ ગુજરાતી ખેલાડીઓ એક સાથે મેદાનમાં ઉતરશે કે કેમ તેવો પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે આ પહેલા જ્યારે સુપર-8ની સાઉથ આફ્રિકા સામે ભારતની મેચ રમાઈ તેમાં અક્ષર પટેલને બહાર રાખવામાં આવ્યો હતો. પરંતુ જે પ્રમાણે તેણે પાછલી મેચમાં ફિલ્ડિંગમાં પ્રદર્શન કર્યું તે જોતા આ વખતે તે ટીમમાં ચોક્કસ હોવો જોઈએ તેવું ક્રિકેટ પ્રેમીઓ માની રહ્યા છે. જોકે, ટોસ ઉછળે તે પહેલા જ 32 વર્ષના અક્ષર પટેલે પોતે ટીમમાં હશે તેવી વાત કરી દીધી છે. (Photograph Credit score: BCCI)

