Final Up to date:
ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મેચમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાને શમરજનક હારનો સામનો કરવો પડ્યો છે.
IND vs SA: ICC મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મેચમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિક વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં ટીમ ઇન્ડિયાને શમરજનક હારનો સામનો કરવો પડ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતી પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં આફ્રિકન ટીમે 7 વિકેટના નુકસાને 187 રન બનાવ્યાં હતા. સાઉથ આફ્રિકાની ટીમ તરફથી બ્રેવિસ, મિલર અને સ્ટબ્સે આક્રમક ઇનિંગ રમીને પોતાની ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. 188 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ ઇન્ડિયાની આખી ટીમ 111 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
પહેલા બેટિંગ કરવા આવેલી સાઉથ આફ્રિકન ટીમની શરૂઆત સારી રહી નહોતી. તેના ટોપ ઓર્ડર બેટ્સમેન માર્કરમ 4 રન, ક્વિન્ટન ડી કોક 6 રન અને રિકલ્ટન 7 રન બનાવીને આઉટ થયા હતા. ત્રણ વિકેટ પડ્યા પછી ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસ વચ્ચે 50 બોલમાં 97 રનની પાર્ટનરશીપ થઈ. બ્રેવિસે 29 બોલમાં 45 રન બનાવ્યાં. આ ઇનિંગમાં તેણે ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટાકર્યા હતા. જ્યારે ડેવિડ મિલરે 35 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી. તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ બંને સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સે પણ 24 બોલમાં 44 રન બનાવ્યાં. બાકીના આફ્રિકન બેટ્સમેન ડબલ ડિઝિટના સ્કોર સુધી પણ પહોંચી શક્યા નહોતા. ભારત તરફથી બુમરાહે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી, જ્યારે અર્શદીપ સિંહે 2 વિકેટ ઝડપી હતી.
188 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત પણ બિલકુલ ખરાબ રહી. ઈશાન કિશન ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો. અભિષેક શર્માએ 12 બોલમાં 15 રન બનાવ્યાં. તિલક વર્મા પણ 1 રન બનાવીને વિકેટ ગુમાવી બેઠો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે ધીમી ઇનિંગની રમી અને 22 બોલમાં 18 રન બનાવ્યાં. સુંદરે 11 અને હાર્દિકે 18 રનનું યોગદાન આપ્યું. ભારતીય બેટ્સમેનોએ આ મેચમાં ખૂબ નિરાશ કર્યા. ભારત માટે મેચમાં શિવમ દુબેએ સૌથી વધુ 37 બોલમાં 42 રન બનાવ્યા હતા. સાઉથ આફ્રિકા તરફથી બોલિંગમાં માર્કો જેનસેને 4 અને કેશવ મહારાજે 3 વિકેટ લીધી હતી.
Feb 22, 2026 10:38 PM IST

