Final Up to date:
IND vs PAK: ટી20 વર્લ્ડ કપની 27મી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે પાકિસ્તાનને શરમજનક હાર આપી છે.
IND vs PAK: ટી20 વર્લ્ડ કપની 27મી મેચ આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ટીમ ઇન્ડિયાની ભવ્ય જીત થઈ છે. પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. ત્યારે ભારતીય ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર પાકિસ્તાનને 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ 114 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આમ ભારતની 61 રને ભવ્ય જીત થઈ છે.
ભારતના 176 રનના જવાબમાં ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. હાર્દિક પંડ્યાએ પેહલી જ ઓવરમાં ફરહાન સાહિબજાદાને શૂન્ય પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ બીજી ઓવરમાં બુમરાહે સૈમ અયૂબની વિકેટ ઝડપી, સૈમ માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો. એ જ ઓવરમાં બુમરાહે કેપ્ટન સલમાનની વિકેટ પણ લીધી. એટલે કે બે ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 13-3 હતો. ત્યાર બાદ ભારતીય ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ધડાધડ વિકેટો પડતી રહી. અક્ષર પટેલે 5મી ઓવરમાં બાબર આઝમને બોલ્ડ કર્યો. બાબરે માત્ર પાંચ રન બનાવ્યાં હતા. 6 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 38-4 હતો.
ત્યાર બાદ ઉસ્માન ખાન અને શાદાબ ખાને ઇનિંગ પાકિસ્તાનની ઇનિંગ સંભાળી, બંનેની વચ્ચે 39 રનની પાર્ટનરશીપ થઈ હતી. 11 ઓવરમાં અક્ષર પટેલે ઉસ્માનની વિકેટ લઈને પાર્ટનરશીપ તોડી. ઉસ્માને 34 બોલમાં 44 રન બનાવ્યાં હતા. ત્યાર બાદ નવાજ 14 રન, ફહીમ 10 રન બનાવીને આઉટ થયો હતો. અંતે હાર્દિકે છેલ્લી વિકેટ લીઈને પાકિસ્તાનને 114 રન પર અટકાવી દીધું. વર્લ્ડ કપમાં ભારતની જીતનો આંકડો 8-1નો થઈ ગયો છે.
ભારત તરફથી હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે તિલક અને કુલદીપને 1-1 સફળતા મળી હતી.
પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ઘણી નબળી રહી. ટીમે પ્રથમ વિકેટ પહેલી જ ઓવરમાં અભિષેક શર્માના રૂપમાં ગુમાવી દીધી. તે ખાતું ખોલ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો. અભિષેક આઉટ થયા બાદ ઈશાન કિશને ઇનિંગ સંભાળી અને તિલક વર્મા સાથે મળીને 46 બોલમાં 87 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. આ ભાગીદારીને જોતા એવું લાગી રહ્યું હતું કે ટીમ ઇન્ડિયા સહેલાઈથી 200 રનના આંક સુધી પહોંચી જશે. પરંતુ 9મી ઓવરમાં ઈશાન આઉટ થયા બાદ ભારતીય ઇનિંગ ધીમી પડી ગઈ. ઈશાન પછી કેપ્ટન સૂર્યકુમાર યાદવે 32 રનની ઇનિંગ રમી. ઉપરાંત શિવમ દુબે એ 158.82ના સ્ટ્રાઈક રેટથી 27 રન બનાવ્યા.
Feb 15, 2026 10:17 PM IST

