વિશ્વભરમાં ફરી એકવાર કોરોના વાઈરસનું સંક્રમણ વધતી જતી સ્થિતિ વચ્ચે ભારતના શહેરોમાં પણ નવા કેસ નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં 20 મેના રોજ કુલ 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ કેસોમાં 2 વર્ષની નાની બાળકીથી લઈને 72 વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે.
સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે. કયા વિસ્તારોમાં કેસ નોંધાયા તેની વાત કરવામાં આવે તો, દર્દીઓ અમદાવાદના આ વિસ્તારોમાં છે. વટવા, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નારોલ, નવરંગપુરા
મણીનગરની સરકારી લેબોરેટરીમાં ચાર દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા હતા, જ્યારે ત્રણ દર્દીઓએ ખાનગી લેબમાં તપાસ કરાવી હતી. તમામ દર્દીઓમાં હાલમાં કોઈ નવો વેરિઅન્ટ જોવા મળ્યો નથી.
આ કેસોની માહિતી મળતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને રાજ્યના આરોગ્ય વિભાગે સ્થિતિ પર નજર મજબૂત કરી છે. તપાસ અને સંપર્કમાં આવેલા લોકોની ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
સિંગાપુર અને હોંગકોંગ સહિતના એશિયાઈ દેશોમાં ફરીથી કેસો વધતા જોવા મળી રહ્યા છે. મુંબઇમાં તો છેલ્લા કેટલાક દિવસોમાં 50થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. એંધાણ છે કે ભારતમાં ફરી કોરોનાના કેસો ઉછળી શકે છે, જેના કારણે આરોગ્ય વિભાગ તમામ નાગરિકોને તકેદારી રાખવાની અપીલ કરી રહ્યો છે.