Meeting elections : પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાઈ શકે છે. આ સંકેત એ વાતથી મળી રહ્યો છે કે ભાજપે આ રાજ્યોમાં તેના રાજ્ય યૂનિટને ચૂંટણીની તૈયારીઓ ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પાછળનો હેતુ એ છે કે ચૂંટણી કાર્યક્રમ અને ફેબ્રુઆરી 2027માં યોજાનારા વસ્તી ગણતરી કાર્યક્રમ એકબીજા સાથે ટકરાય નહીં. વસ્તી ગણતરીનો બીજો તબક્કો આવતા વર્ષે ફેબ્રુઆરીમાં શરૂ થશે.
આ ચાર રાજ્યોની સાથે મણિપુરમાં પણ ફેબ્રુઆરી 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મણિપુર લાંબા સમયથી વંશીય હિંસાથી ઘેરાયેલું છે અને ભાજપનું નેતૃત્વ રાજ્યમાં ચૂંટણી અંગે પણ નિર્ણય લે તેવી સંભાવના છે.
ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ મળેલી ગતિને જાળવી રાખીને પાર્ટી આ રાજ્યોમાં ચૂંટણી લડવા માંગે છે. તેથી આ રાજ્યોમાં ભાજપના રાજ્ય એકમોને તેને જાળવી રાખવા માટે સખત મહેનત કરવા કહેવામાં આવ્યું છે.
હિન્દુ મતદારો એકજુટ હોવાનો તર્ક
ભાજપના નેતાઓનો એક મોટો વર્ગ માને છે કે પશ્ચિમ બંગાળમાં પાર્ટીને જીત એટલા માટે મળી કારણ કે ત્યાં હિન્દુ મતદારો એકજુટ થયા હતા. આ જ કારણ છે જે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પાર્ટીની જીતની સંભાવનાઓને મજબૂત કરી શકે છે.
ઉત્તર પ્રદેશ, ગોવા અને પંજાબમાં ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે વસ્તી ગણતરીમાં વહીવટી પડકારોને ટાળવા માટે થોડા અઠવાડિયા પહેલા ચૂંટણી યોજી શકાય છે કારણ કે બંને પ્રક્રિયાઓમાં કામ કરતા સરકારી કર્મચારીઓ સામાન્ય રીતે સમાન હોય છે. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે ઉત્તરાખંડમાં ભાજપના નેતાઓ વહેલી ચૂંટણીની તરફેણમાં છે.
ભાજપ કોંગ્રેસને લઇને સર્તક
ભાજપના સૂત્રોનું કહેવું છે કે ઉત્તર પ્રદેશ સિવાય આ રાજ્યોમાં કોંગ્રેસ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે અને તેને કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના રાજકીય ઘટનાક્રમથી ઉર્જા મળી છે. જો ચૂંટણી વહેલી યોજાય તો કોંગ્રેસ પાસે ચૂંટણીની તૈયારી માટે વધુ સમય નહીં મળે અને તે ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
BJP RSS મહામંથન: સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારના સંકેત, રાજનાથ સિંહના ઘરે મોડી રાત સુધી ચાલી બેઠક
કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફને કેરળમાં પ્રચંડ વિજય મળ્યો છે, જ્યારે તામિલનાડુમાં તે જોસેફ વિજયની ટીવીકે સાથે સરકારનો ભાગ છે. કર્ણાટકમાં તેણે સરળતાથી સત્તા હસ્તાંતરિત કરી છે અને સિદ્ધારમૈયાની જગ્યાએ ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવ્યા છે. ભાજપના એક નેતાનું કહેવું છે કે પાર્ટીનું નેતૃત્વ કોઈ પણ પ્રકારના રાજકીય પડકારને ઓછું આંકવા માંગતું નથી.
કેજરીવાલે પણ વહેલી ચૂંટણી અંગે નિવેદન આપ્યું હતું
ગયા અઠવાડિયે પંજાબની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે પંજાબમાં ચૂંટણી આ વર્ષે નવેમ્બરમાં જ થઈ શકે છે. સામાન્ય રીતે ભાજપનું નેતૃત્વ વહેલી ચૂંટણીની તરફેણમાં નથી હોતું કારણ કે 2004ની લોકસભાની ચૂંટણી થોડા સમય પહેલા યોજાઈ હતી અને ત્યારે પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
પંજાબ ભાજપના એક વરિષ્ઠ નેતાએ ચૂંટણીના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરવાનો ઇન્કાર કર્યો છે, પરંતુ કહ્યું છે કે પરિસ્થિતિના આધારે ચૂંટણી થોડા અઠવાડિયા વહેલા યોજાઈ શકે છે. આથી કેન્દ્રીય નેતૃત્વએ પાર્ટીને જીત મેળવવા માટે ચૂંટણીની તૈયારીઓ વધુ તીવ્ર બનાવવા જણાવ્યું છે.
