Final Up to date:
રાજકોટમાં 45 વર્ષીય કન્સ્ટ્રક્શન વ્યવસાયી સાથે 39 લાખથી વધુની સાયબર ફ્રોડની ઘટના બની છે. આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈડી ધારક વિરુદ્ધ ફરિયાદ થઈ છે.
રાજકોટ: કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા 45 વર્ષીય વ્યક્તિ સાથે 39 લાખથી વધુ રૂપિયાની સાયબર ફ્રોડની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 45 વર્ષીય વ્યક્તિ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈડી ધારક તેમજ જુદા જુદા વોટ્સએપ નંબર ધારક તેમજ અલગ અલગ બેંક એકાઉન્ટ ધારક તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધની કલમ 316 (5), 318 (4), 319 (1), 336 (1), 338, 340 (1), 61 (2) તેમજ આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં 45 વર્ષીય વ્યક્તિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈડી ધારકે તેમને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે વાતચીત થતી હતી. તેમજ બંને વચ્ચે વોટ્સએપ નંબરની પણ આપ-લે થઈ હતી. દરમિયાન ફરિયાદીને વિશ્વાસમાં લઈ ગોલ્ડન ટ્રેડિંગમાં રોકાણ કરવાથી વધુ પ્રોફિટ મળશે તે પ્રકારની લાલચ આપી હતી. તેમજ ટ્રેડિંગ માટે વેબસાઇટની લિંક મોકલી તેમાં આઈડી પણ બનાવડાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ઓનલાઈન કટકે-કટકે 39,22,323 રૂપિયા જેટલી રકમ રોકાણ કરાવડાવી પ્રોફિટ સહિત રોકાણ કરેલ રકમ પરત ન આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે.
ઇન્વેસ્ટિગેશન ઓફિસર એસ. ડી. ગિલવા દ્વારા ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે કે, સાત મહિનાના સમયગાળા દરમિયાન ફરિયાદી દ્વારા જુદા જુદા શોર્ટ ટ્રાન્ઝેક્શન મારફતે આરોપીઓ દ્વારા જણાવવામાં આવેલ ખાતામાં રકમ ટ્રાન્સફર કરી છે. અંદાજિત સાત જેટલા બેંક ખાતાઓમાં ફરિયાદી દ્વારા રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. ત્યારે સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દ્વારા ફેસબુક પાસેથી આરોહી અગ્રવાલ નામની ફેસબુક આઈડી સાથે સંકળાયેલ મોબાઇલ નંબર સહિતની વિગતો મંગાવવામાં આવી છે. તેમજ કયા આઈપી ઉપરથી તે ફેસબુક એકાઉન્ટ ઓપરેટ થતું હતું તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે. તો સાથોસાથ ફરિયાદી દ્વારા જે સાત બેંક એકાઉન્ટમાં 39 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે તે બેંક એકાઉન્ટ ધારકો અંગે પણ ડિટેલ્સ મેળવવામાં આવી રહી છે. ફરિયાદીને જે વેબસાઇટની લિંક મોકલવામાં આવી હતી, તે વેબસાઇટ કોના દ્વારા બનાવવામાં આવી હતી, તેનું સંચાલન કોણ કરી રહ્યું હતું તે સહિતની બાબતો અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શરૂઆતમાં ફરિયાદી દ્વારા રોકવામાં આવેલ રકમની સામે મોટો પ્રોફિટ વેબસાઇટમાં તેમના વોલેટમાં બતાવવામાં આવી રહ્યો હતો. જેના કારણે તેમણે 39 લાખથી પણ વધુની રકમનું રોકાણ કર્યું હતું. પરંતુ બાદમાં તેમના દ્વારા પ્રોફિટ સહિતની રકમ પોતાના બેંક એકાઉન્ટમાં પરત મેળવવા માંગતા આરોપીઓ દ્વારા ચાર્જિસના નામે વધુ રૂપિયા ભરવાનું કહેતા ફરિયાદીને પોતાની સાથે ફ્રોડ થયો હોવાની શંકા ગઈ હતી.

