Final Up to date:
પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (Pradhan Mantri Jeevan Jyoti vima Yojana) સંકટની ઘડીએ અનેક પરિવારો માટે આર્થિક સુરક્ષા કવચ બની રહી છે. માત્ર 436 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં મળતી આ યોજના હેઠળ અચાનક મૃત્યુની સ્થિતિમાં પરિવારને 2 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
પાટણ: પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સંકટની ઘડીએ અનેક પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહી છે. ખૂબ જ ઓછા પ્રીમિયમમાં મળતી આ યોજના અંતર્ગત અચાનક મૃત્યુની પરિસ્થિતિમાં પરિવારને 2 લાખ સુધીની આર્થિક સહાય મળે છે, જે મુશ્કેલ સમયમાં પરિવાર માટે મહત્વપૂર્ણ સહારો સાબિત થાય છે. પાટણના એક પરિવારને પણ આ યોજનાનો લાભ મળતાં સરકારની કલ્યાણકારી યોજનાઓનો સકારાત્મક પ્રભાવ જોવા મળ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. માત્ર 436ના વાર્ષિક પ્રીમિયમમાં 2 લાખનું જીવન વીમા કવર મળતું હોવાથી આ યોજના દેશભરમાં લોકપ્રિય બની રહી છે. ખાસ કરીને બેંક ખાતા ધરાવતા લોકો માટે આ યોજના સરળતાથી ઉપલબ્ધ છે અને બેંક મારફતે સીધી રીતે જોડાઈ શકાય છે. પાટણના રહેવાસી રોહિતકુમાર કનુભાઈ મોચી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાધારક હતા. તેઓ દર વર્ષે નિયમિત રીતે 436 પ્રીમિયમ ભરી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં જોડાયેલા હતા. આ યોજના હેઠળ તેઓએ પોતાના પરિવાર માટે સુરક્ષા કવચ તૈયાર કર્યું હતું. પરંતુ અચાનક હાર્ટ એટેક આવતાં તેમનું દુર્ભાગ્યવશ અવસાન થયું હતું, જેના કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

પરિવાર માટે આ મુશ્કેલ સમય હતો, પરંતુ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાના કારણે તેમને આર્થિક રીતે થોડી રાહત મળી. યોજનાના નિયમો અનુસાર મૃતકના નામાંકિત વ્યક્તિ તરીકે તેમની પત્ની ગીતાબેનને 2 લાખની સહાય આપવામાં આવી હતી. આ સહાય મળતાં પરિવારને સંકટના સમયમાં મહત્વપૂર્ણ આર્થિક આધાર મળ્યો છે. મૃતકના ભાઈ શૈલેષકુમાર કનુભાઈએ જણાવ્યું હતું કે રોહિતકુમારના અવસાન બાદ પરિવાર માટે આર્થિક સ્થિતિ મુશ્કેલ બની ગઈ હતી. આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા મળેલી 2 લાખની સહાય તેમના પરિવાર માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ છે. ખાસ કરીને રોહિતભાઈના બે બાળકોના અભ્યાસ માટે આ રકમ મહત્વપૂર્ણ સહારો બની છે.
તેમણે વધુમાં જણાવ્યું કે જો રોહિતભાઈએ આ યોજના હેઠળ વીમો ન લીધો હોત તો પરિવાર માટે આર્થિક રીતે સંભાળવું વધુ મુશ્કેલ બની શકતું હતું. માત્ર 436ની નાની રકમના પ્રીમિયમથી મળતી આ મોટી સહાય ખરેખર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ છે. પરિવારજનોએ સરકાર અને બેંક સ્ટાફનો આ સહાય માટે આભાર વ્યક્ત કર્યો હતો. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા પાટણ બ્રાન્ચના મેનેજર મઘાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખાતાધારક દર વર્ષે માત્ર 436 પ્રીમિયમ ચૂકવીને 2 લાખ સુધીનું જીવન વીમા કવર મેળવી શકે છે.
તેમણે જણાવ્યું કે રોહિતકુમાર મોચીના અવસાન બાદ યોજનાના નિયમો અનુસાર તેમની પત્ની ગીતાબેનને 2 લાખની સહાય ચૂકવવામાં આવી છે. બેંક દ્વારા તમામ જરૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને પરિવારને સહાય આપવામાં આવી છે. આવી યોજનાઓ લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે. બેંક મેનેજરે જણાવ્યું કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકોને આ યોજના વિશે સતત માહિતી આપવામાં આવે છે. બેંક સ્ટાફ ગ્રાહકોને આ યોજના સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે જેથી તેઓ પણ આ સુરક્ષા કવચનો લાભ લઈ શકે.
Mar 07, 2026 10:00 AM IST
