Final Up to date:
કુંવરબાઈનું મામેરુ યોજના હેઠળ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હજારો કન્યાઓને લાખો રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકારે આપી છે, આ માટેની સંપુર્ણ પ્રક્રિયા ઓનલાઈન અને પારદર્શક હોય છે, જે બાબત હાલ વિધાનસભા ગૃહમાં ચર્ચાઈ હતી.
ગાંધીનગર: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા કુંવરબાઈનું મામેરુ યોજના વર્ષોથી અમલીકરણમાં છે. આજે વિધાનસભાના ગૃહમાં સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રાલયના પ્રશ્નો અંતર્ગત કુંવરબાઈના મામેરુ યોજના અંતર્ગત કેટલા લાભાર્થીઓને લાભ લીધો છે અને તે અંતર્ગત રાજ્ય સરકારે કેટલા રૂપિયાની ચુકવણી લાભાર્થીને કરવામાં આવી છે, તે અંગેનો પ્રશ્ન વિપક્ષ દ્વારા પૂછવામાં આવ્યો હતો.
આ પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી પ્રદ્યુમન વાજાએ જવાબ આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક પછાત વર્ગની કન્યાઓને લગ્ન પ્રસંગે 12,000ની સહાય ચૂકવવામાં આવે છે. આ યોજના અંતર્ગત 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ભાવનગર જિલ્લાના 880 કન્યાઓને 1665.60 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. જ્યારે મહેસાણા જિલ્લામાં પણ કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગતના લાભાર્થીની વાત કરીએ તો તેમાં 5022 કન્યાઓની કુલ 602.64 લાખની આર્થિક સહાય ચૂકવવામાં આવી હોવાની કબૂલાત કરવામાં આવી હતી.
ઉપરાંત જામનગર જિલ્લામાં પણ કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત 5659 લાભાર્થીઓએ લાભ લીધો હતો. તેમાંથી 679.08 લાખ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું. જ્યારે સુરત જિલ્લામાં પણ 12,546 જેટલા લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 1505.52 લાખની સહાયની રકમ ચૂકવવામાં આવી હોવાની વાત સરકારે રજૂ કરી હતી.
આ તરફ કુંવરબાઈ મામેરુ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ 7,632 જેટલા લાભાર્થીઓને 915.84 લાખ રૂપિયાની ચુકવણી, જ્યારે રાજકોટ જિલ્લામાં 11,171 લાભાર્થીઓને 1340.52 લાખ રૂપિયા તો ગીર સોમનાથ જિલ્લામાં કુંવરબાઈ યોજના અંતર્ગત 14,368 લાભાર્થીઓને રાજ્ય સરકારે 1724.00 લાખ રૂપિયાની સહાય ચૂકવી હોવાની વાત શરૂ કરી છે.
મહત્વનું છે કે, વાર્ષિક આવક 6 લાખ સુધીની ધરાવતા કુટુંબને સરકારે આ કુંવરબાઈનું મામેરુ યોજનાનો લાભ રાજ્ય સરકાર આપે છે. જેમાં 12,000ની આર્થિક સહાય ડીપીટી મારફત ચૂકવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી ફેસલેસ અને પેપરલેસ તેમજ પારદર્શક હોવાનું પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે.
આ યોજનાનો લાભ લેવા દીકરીના લગ્નની તારીખના બે વર્ષના સમયગાળામાં ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર અરજી કરવાની હોય છે. જેમાં અરજીના તબક્કાવારની ચકાસણી કર્યા બાદ મંજૂર કે નામંજૂર પણ કરવામાં આવતી હોય છે. આમ કુંવરબાઈનું મામેરુ યોજના સંપૂર્ણપણે લાભાર્થીને લાભ અપાવતી યોજના હોવાનું પણ ગૃહમાં રાજ્ય સરકારના મંત્રીએ જણાવ્યું હતું.
Gandhinagar,Gujarat

