Final Up to date:
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઈન ખરીદી કરનારાઓ અને ઈ-કોમર્સ કંપનીઓને હચમચાવી દેતી એક મોટી આંતરરાજ્ય છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે. નામી ઈ-કોમર્સ સાઇટ્સ સાથે ‘સ્વિચ એન્ડ સ્કેમ’ મોડેશ ઓપરેન્ડી થી છેતરપિંડી કરતી ગેંગના પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 20 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.
અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે છેતરપિંડીના ગુનાઓ ઉકેલવા અમદાવાદ, સુરત, વડોદરા તેમજ રાજસ્થાન સુધી ફેલાયેલી ગેંગનું નેટવર્ક તોડી પાડ્યું છે. હાલ પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 20.52 લાખથી વધુનો મુદ્દામાલ અને સાધનો કબજે કરવામાં આવ્યા છે.
આ ગુનામાં પકડાયેલા આરોપીઓમાં રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજ કુમાર માલી, ભરત કુમાર સુંદેશા (માલી), વિશાલ હસમુખભાઈ પંચાલ અને વિશાલ કાનજીભાઈ બાવરીનો સમાવેશ થાય છે. જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા રિષિપાલ ભાટી અને વિનોદ નામના બે આરોપી હજુ ફરાર છે, જેમની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો રવાના કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે, ગેંગની ઈ-કોમર્સ સાઈટને છેતરવા અલગ જ મોડસ ઓપરેન્ડી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર પોતાના સાગરીતોને કુરિયર કંપનીઓમાં ડિલિવરી બોય તરીકે ગોઠવતો હતો. ફેક યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરી મોંઘા મોબાઈલ, ગેજેટ્સ અને અન્ય ઈલેક્ટ્રોનિક્સના ઓર્ડર મૂકવામાં આવતા. પાર્સલ ગ્રાહક સુધી પહોંચે તે પહેલાં જ ગેંગમાં સામેલ ડિલિવરી બોય તે પાર્સલ મેળવી લેતો અને તેમાં રહેલી અસલ ચીજવસ્તુ કાઢી લેવામાં આવતી. આરોપીઓ ખાસ સાધનો વડે પાર્સલને સાવધાનીપૂર્વક ખોલી તેમાં અસલ મોંઘી પ્રોડક્ટ કાઢી તેની જગ્યાએ ડમી પ્રોડક્ટ મૂકી દેતા હતા. ત્યારબાદ ઓર્ડરને ‘રિટર્ન’ અથવા ‘કેન્સલ’ દર્શાવી દેવામાં આવતો.

અસલ ચીજવસ્તુઓને બારોબાર ઓછા ભાવે બજારમાં વેચી આરોપીઓ મોટો નફો કમાતા હતા. હાલ તો પકડાયેલા આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 8 અસલ મોબાઈલ ફોન, 25 ડમી મોબાઈલ ફોન, ડમી ઈયરબડ્સ, ગેમિંગ પ્રોસેસર, કેમેરા લેન્સ, ઇલેક્ટ્રિક હેર ડ્રાયર ઉપરાંત ગ્લુ રિમૂવર, સિરીંજ, પાર્સલ ખોલવાના ખાસ સાધનો અને એક મહિન્દ્રા સ્કોર્પિયો કાર પણ કબજે કર્યા છે.
ત્યારે આરોપીઓની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ વડોદરા, સુરત અને જાલોરમાં અગાઉ પણ અનેક છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે. હાલ આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે BNS કલમ 61(2)(A) અને 316(5) હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad,Gujarat
Feb 07, 2026 10:00 PM IST

