Final Up to date:
શહેરના કોટ વિસ્તારમાં ફરનારી આ નગરયાત્રાથી અંદાજે 32 પરીક્ષા સેન્ટર પર અસર થઈ શકે છે. ખાસ કરીને પરીક્ષા સેન્ટર પર પહોંચતા વિદ્યાર્થીઓ અટવાય નહીં તેને લઈને દોડધામ શરૂ થઈ ગઈ છે.
અમદાવાદ: 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે પરંતુ આ વખતે પરીક્ષાના પ્રારંભે જ વિદ્યાર્થીઓની તો પરીક્ષા થવાની જ છે પણ સાથે તંત્રની પણ કસોટી થવાની છે. જેનું કારણ છે અમદાવાદના સ્થાપના દિને ભદ્રકાળી માતાજી મંદિરથી નીકળનારી નગરયાત્રા. જી હા, 26મીએ અમદાવાદમાં નગરયાત્રા અને બોર્ડની પરીક્ષા એક સાથે આવતા દોડધામ મચી છે. શહેરના કોટ વિસ્તારમાં ફરનારી આ નગરયાત્રાથી અંદાજે 32 પરીક્ષા સેન્ટર પર અસર થઈ શકે છે. ખાસ કરીને પરીક્ષા સેન્ટર પર પહોંચતા વિદ્યાર્થીઓ અટવાય નહીં તેને લઈને દોડધામ શરૂ થઈ ગઈ છે.
આગામી 26 ફેબ્રુઆરીએ અમદાવાદનો સ્થાપના દિવસ છે જેની ઉજવણીના ભાગરૂપે શહેરના કોટ વિસ્તારમાં નગરદેવી ભદ્રકાળી મંદિરથી વિવિધ વિસ્તારમાં નગરયાત્રાનું આયોજન કરાયું છે. તેની સાથે સાથે 26 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ શરૂ થઈ ગઈ છે. જો કે પરીક્ષાના પહેલા દિવસે જ તંત્રની કસોટી થઈ જવાની છે તે નક્કી છે. કારણ કે એક તરફ વિદ્યાર્થીઓની પરીક્ષા છે અને બીજી તરફ નગરયાત્રા છે. નગરયાત્રાના ટ્રાફિકના કારણે વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર પહોંચવામાં મોડું ન થાય તેના પર વિશેષ ધ્યાન આપવું પડશે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને અમદાવાદ કલેક્ટરને જાણ કરી છે જેથી કરીને પરીક્ષા પહેલા આ સમગ્ર મુદ્દા પર વિચારી શકાય.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે 26મીએ પરીક્ષા તો શરૂ થઈ રહી છે તેની સાથે સાથે ભદ્રકાળી મંદિરથી નગરયાત્રા નીકળવાની છે અને મુખ્યમંત્રી પણ આ યાત્રામાં ઉપસ્થિત રહેવાના છે તેવી માહિતી મળી રહી છે. આ મામલે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને કોઈ અગવડ ન પડે તેને લઈને અમદાવાદ કલેક્ટર સાથે મિટિંગ પણ થઈ ચૂકી છે. ગુજરાત માધ્યમિક બોર્ડમાં પણ અમે જાણ કરી છે.
ધોરણ 10 અને 12ના થઈને કુલ 32 પરીક્ષા સેન્ટર છે જેમાં ધોરણ 10ના 22 અને ધોરણ 12ના 10 સેન્ટર છે. યાત્રાના રૂટ પર આવતા 32 પરીક્ષા સેન્ટર પર અસર થઈ શકે તેવી જાણકારી છે જેથી પ્રથમ તો ટ્રાફિકને લઈને વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર પર પહોંચવામાં અગવડ ન પડે તેને લઈને તમામ સંચાલકોને જાણ કરી દેવાઈ છે કે જરૂર પડે વિદ્યાર્થીઓને પરીક્ષાના એક કલાક પહેલા સેન્ટર પર પહોંચવાની જાણકારી આપવામાં આવે. બીજું કે પરીક્ષાના રૂટ પર યાત્રાને લઈ ડી જે સાઉન્ડના અવાજ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર અને ભદ્રકાળી મંદિર ટ્રસ્ટને વિનંતી કરવામાં આવી છે.
Ahmedabad,Gujarat

