Final Up to date:
કણજીપાણી બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં SPGના અધ્યક્ષ લાલજી પટેલે તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ ખોટા લગ્ન નોંધણી મામલે SPG દ્વારા થોડા મહિનાઓ પહેલા આ કૌભાંડ બહાર લાવવામાં આવ્યું હતું.
મહેસાણા: કણજીપાણી ગામે આચરવામાં આવેલા મોટા ગજાના બોગસ લગ્ન નોંધણી કૌભાંડે હવે રાજકીય અને સામાજિક મોરચે ગરમાવો પકડ્યો છે. 2000 જેટલા ખોટા લગ્ન પ્રમાણપત્રો ઈશ્યુ કરવાના આ ગંભીર કૌભાંડમાં તલાટીની ધરપકડ બાદ તે માત્ર બે જ મહિનામાં જેલમુક્ત થઈ જતાં સરદાર પટેલ ગ્રુપ (SPG) મેદાને આવ્યું છે. SPG અધ્યક્ષ લાલજી પટેલે પોલીસ તપાસની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
વિગતે વાત કરીએ તો, બે મહિના અગાઉ સરદાર પટેલ ગ્રુપ (SPG) એક સ્ટિંગ ઓપરેશન કરી રૂપિયા લઈ બોગસ લગ્ન નોંધણી કરાવતા કણજીપાણીના તલાટીનો ભાંડો ફોડ કર્યો હતો. જેમાં કણજીપાણી ગામનો તલાટી માત્ર 2500 રૂપિયા જેવી નજીવી રકમ લઈને અંદાજે 2000 જેટલા બોગસ લગ્ન નોંધણી સર્ટિફિકેટ બનાવ્યા હોવાનો આક્ષેપ છે. આ કૌભાંડમાં ડુપ્લિકેટ સર્ટિફિકેટ અને ખોટી ટિકિટોનો ઉપયોગ કરીને કાયદાના લીરેલીરા ઉડાડવામાં હોવાનો આક્ષેપ લાગ્યો હતો. જે બાદથી તે જેલમાં બંધ હતો, ત્યારે હાલ તે જેલમુક્ત થતા ફરી એકવાર આ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે.
આજે મહેસાણા જિલ્લા SPને આવેદનપત્ર આપ્યા બાદ લાલજી પટેલે મીડિયા સમક્ષ પોલીસ કામગીરી પર રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તલાટીએ ગુનો કબૂલ્યો હોવા છતાં પોલીસે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને બોગસ દસ્તાવેજોની કડક કલમો કેમ ન લગાવી? આટલા મોટા સ્કેમનો મુખ્ય આરોપી માત્ર ૨ મહિનામાં જેલની બહાર આવી જાય તે તપાસમાં મોટી ખામી સૂચવે છે.
Mahesana,Gujarat

