Final Up to date:
સોશિયલ મીડિયા પર ન્યુઝીલેન્ડના યુટ્યુબર અને વ્લોગરનો એક વીડિયો વાયરલ થયો છે. આ યુટ્યુબર પાકિસ્તાનમાં ગયો હોય છે જ્યાં તેને જાણવા મળ્યું કે ધુરંધર ફિલ્મ ત્યાં માત્ર 16 રૂપિયામાં વેચાઈ રહી છે.
રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ ભારતમાં અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ છે. ફિલ્મને પાકિસ્તાનમાં બૅન કરી દેવામાં આવી હતી. જોકે તેમ છતાં પાકિસ્તાનના લોકો આ ફિલ્મની પાઇરેટેડ કૉપી ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરીને જોતા હતા. બાદમાં ફિલ્મ જ્યારે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ત્યારે પણ લોકોએ આ ફિલ્મનો ભરપૂર આનંદ માણ્યો હતો.
જોકે હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ન્યૂઝીલેન્ડથી પાકિસ્તાનમાં ગયેલા એક યુટ્યુબર અને બ્લોગર કાર્લ રોકે શેર કર્યો છે. જે પોતાના ટ્રાવેલ વ્લોગ અને પોતાની બુક હાઉ ટુ ટ્રાવેલ ઇન ઇન્ડિયા માટે જાણીતો છે.
ટ્રાવેલ વ્લોગર અને યુટ્યુબર કાર્લ રોકે પોતાને એક વ્લોગમાં પાકિસ્તાનમાં અંડરગ્રાઉન્ડ પાઇરેસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. કાર્લ કરાચીના સદર બજારમાં આવેલ રેનબો સેન્ટર પહોંચ્યા હતા. આ બજાર પાકિસ્તાનમાં પાઇરેટેડ ફિલ્મો અને ગેમિંગનો મોટો અડ્ડો માનવામાં આવે છે. ત્યારે કાર્લે જોયું કે ધુરંધરનું પોસ્ટર એક કોમ્પ્યુટર અને ડેસ્કટોપ પર લાગેલું છે જ્યારે તેમણે દુકાનદારને આ મામલે પૂછ્યું તો દુકાનદારે જણાવ્યું કે આ ભારતની સૌથી હિટ ફિલ્મ છે.
વ્લોગ દરમિયાન એક રસપ્રદ મોડ ત્યારે આવે છે. કાર્લ આ ફિલ્મની કિંમત પૂછે છે. દુકાનદાર જણાવે છે કે જો તમે આ પેનડ્રાઇવ યુએસબીમાં લેશો તો પાકિસ્તાનના 50 રૂપિયા એટલે કે ભારતના લગભગ 16 રૂપિયા તરીકે આ ફિલ્મ પડશે. જ્યારે ડીવીડીની કિંમત 300 રૂપિયા છે. આટલી ઓછી કિંમત જાણીને કાર્લ પણ હેરાન રહી જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કાર્લે ત્યાં હાજર અમુક લોકોને રણવીર સિંહ વિશે ખાસ વાત કરી. તેણે એવું પણ જણાવ્યું કે રણવીર સિંહ અસલમાં સિંધી છે. સાથે જ તેણે કહ્યું કે તેના દાદા દાદી વિભાજન સમયે કરાચીથી ભારત આવી ગયા હતા. તેમણે રણવીર સિંહને ભારતનો એક પ્રખ્યાત સિંધી હીરો જણાવ્યો.
ઉલ્લેખનીય છે કે IANSની રિપોર્ટ પ્રમાણે ધુરંધર પાકિસ્તાનમાં અત્યાર સુધીની સૌથી વધારે પાઇરેટેડ ફિલ્મ બની છે. ડિસેમ્બરમાં ફિલ્મ રિલીઝ થઈ ત્યારબાદ માત્ર 2 સપ્તાહમાં પાકિસ્તાનમાં ઓછામાં ઓછા 2 મિલિયન વાર તેને ડાઉનલોડ કરવામાં આવી છે. આ મામલે ધુરંધરે રજનીકાંતની 2.0 અને શાહરૂખ ખાનની રઈસ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. પાકિસ્તાન સિવાય મિડલ ઈસ્ટના અમુક ભાગોમાં પણ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જેના કારણે મેકર્સને ભારે નુકસાન થયું હતું.
Feb 13, 2026 11:54 PM IST

