Final Up to date:
ગૌસેવા અને પશુપાલનની પરંપરાથી જાણીતી કચ્છની ધરતીમાંથી આવેલા કાંકરેજ નસલના વિશેષ બુલ ‘ડેલિયો’એ કેટલ શોમાં સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાડેજા અરવિંદસિંહ ખાનાય જાગીર દ્વારા ઉછેરાયેલો 8 વર્ષનો આ બુલ તેની ભવ્ય કાયા, શુદ્ધ વંશપરંપરા અને અનોખી દૂધ ઉત્પાદન ક્ષમતાને કારણે ચર્ચામાં છે. 51 લાખ રૂપિયાની માંગ છતાં પણ જેને વેચવામાં આવ્યો ન હતો.
રાજકોટ: કચ્છની ધરતી ગૌસેવા અને પશુપાલનની સમૃદ્ધ પરંપરા માટે જાણીતી રહી છે. અહીં ગાય અને બુલ માત્ર પશુ નથી, પરંતુ શ્રદ્ધા, સંસ્કાર અને ગૌરવનું પ્રતીક છે. આવા જ ગૌરવ સાથે જાડેજા અરવિંદસિંહ ખાનાય જાગીર કચ્છમાંથી કાંકરેજ નસલનો વિશેષ બુલ લઈને કેટલ શોમાં આવ્યા છે. ડેલિયો નામનો આ 8 વર્ષનો બુલ આજે પોતાની અનોખી વિશેષતાઓ અને ઊંચી કિંમતની માંગને કારણે ચર્ચામાં છે.
જાડેજા અરવિંદસિંહે જણાવ્યું હતું કે, અમે ખાનાય જાગીર કચ્છમાંથી કાંકરેજ બુલ લઈને કેટલ શોમાં આવ્યાં છીએ. અમારી બધી ગાયો મેઘરાજદાદાની ગાયો છે અને ગૌસેવા અમારી પરંપરા છે. કચ્છમાં અમારી પાસે અંદાજે 200 થી 300 ગાયો છે. દરેક ગાયને પરિવારના સભ્ય જેવી સંભાળ આપવામાં આવે છે અને તેમના આરોગ્ય, ખોરાક અને સંવર્ધન પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. અમે જે નંદીને લઈને આવ્યાં છીએ તેનું નામ ડેલિયો છે અને તેની ઉંમર 8 વર્ષની છે. ડેલિયો માત્ર દેખાવમાં જ ભવ્ય નથી, પરંતુ તેની વંશ પરંપરા અને ગુણધર્મો તેને કાંકરેજ નસલમાં વિશેષ સ્થાન અપાવે છે. કાંકરેજ નસલ તેની શક્તિશાળી કાયા, સહનશક્તિ અને ઉત્તમ પ્રજનન ક્ષમતા માટે જાણીતી છે, પરંતુ ડેલિયોની સૌથી ખાસ વાત એ છે કે તેની પહેલી વાછડીઓ 7 પ્લસ મિલ્કમાં આવી છે.

7 પ્લસ મિલ્ક એટલે પહેલી વેતરમાં જ તે 7 લિટરથી વધુ દૂધ આપે છે. કાંકરેજ નસલમાં આવું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે. સામાન્ય રીતે આ નસલમાં પહેલી વેતરમાં દૂધનું પ્રમાણ ઓછું હોય છે, પરંતુ ડેલિયોની વંશ પરંપરાએ એક અનોખો માપદંડ સ્થાપિત કર્યો છે. આ ગુણધર્મને કારણે પશુપાલકોમાં ડેલિયો ખાસ ચર્ચાનો વિષય બન્યો છે. કચ્છ વિસ્તારમાં કાંકરેજ નસલના આવા ગુણવત્તાવાળા બુલ બહુ ઓછા જોવા મળે છે. શુદ્ધ નસલ જાળવી રાખવી આજના સમયમાં મોટી જવાબદારી બની છે. ડેલિયો એ શુદ્ધતા અને ગુણવત્તાનો જીવંત દાખલો છે. તેની ઊંચાઈ, પહોળી છાતી, મજબૂત પગ અને શાંતિપૂર્ણ સ્વભાવ તેને અનોખો બનાવે છે.
ડેલિયા (ખૂંટ)નો વજન 1000 કિલોથી પણ વધુ છે, જે તેને કેટલ શોમાં વિશેષ આકર્ષણ બનાવે છે. તેની ભવ્ય કાયા અને સંતુલિત માળખું દર્શકોને પ્રભાવિત કરે છે. ગૌસેવામાં વિશ્વાસ રાખતા અરવિંદસિંહ માટે ડેલિયો માત્ર એક બુલ નથી, પરંતુ પરિવારની ઓળખ અને ગૌરવનું પ્રતીક છે. અરવિંદસિંહ જણાવે છે કે 4 થી 5 વર્ષ પહેલાં ડેલિયાને લેવા માટે મોટી માંગ ઉભી થઈ હતી. તે સમયે તેની કિંમત 51 લાખ રૂપિયા માંગવામાં આવી હતી. આટલી મોટી રકમની ઓફર છતાં પણ તેને વેચવાનો નિર્ણય લેવાયો નહોતો. કારણ કે તેમના માટે ડેલિયો માત્ર આર્થિક મૂલ્ય નથી ધરાવતો, પરંતુ તેની સાથે લાગણી અને પરંપરા જોડાયેલી છે.
ડેલિયાની સંભાળમાં વિશેષ ખોરાક, લીલું ઘાસ, પૌષ્ટિક દાણા અને નિયમિત આરોગ્ય તપાસનો સમાવેશ થાય છે. આજે જ્યારે ડેલિયો કેટલ શોમાં ઉભો છે, ત્યારે લોકો માત્ર એક બુલ નહીં પરંતુ કચ્છની ગૌસંસ્કૃતિ, સમર્પણ અને પરંપરાનો જીવંત દાખલો જોઈ રહ્યા છે. 51 લાખની માંગ છતાં પણ જેને વેચવામાં ન આવ્યો, એવો આ ડેલિયો કાંકરેજ બુલ ગૌરવ અને ગુણવત્તાની અનોખી કહાની કહી રહ્યો છે.
