Final Up to date:
AI હવે માત્ર કામ કે ટેકનોલોજી પૂરતું મર્યાદિત રહ્યું નથી, તે ભાવનાત્મક જોડાણનો એક ભાગ પણ બની રહ્યું છે. હવે ન્યૂયોર્ક શહેરમાં વિશ્વનું પ્રથમ ‘AI ડેટિંગ કેફે’ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં ગ્રાહકો ટેબલ પર બેસીને AI સાથે મન મૂકીને વાતો કરી શકશે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અત્યાર સુધી તમારા ફોન કે લેપટોપમાં હતું, પણ હવે તે તમારી સામે ટેબલ પર બેસીને તમારી સાથે કોફી પીતા-પીતા વાતો પણ કરશે. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વિશ્વનું પ્રથમ ‘AI ડેટિંગ કેફે’ શરૂ કરવામાં આવ્યું છે. આ કેફેમાં ગ્રાહકો કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ્સ સાથે ડેટ પર જઈ શકે છે અને મન મૂકીને સંવાદ કરી શકે છે. આ અનોખા કેફેનું નામ ટેકનોલોજી જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે. અહીં આવતા ગ્રાહકોને દરેક ટેબલ પર એક મોનિટર અથવા AI-સજ્જ ઉપકરણ આપવામાં આવે છે. આ AI તમારા મૂડ, તમારી પસંદગી અને તમારા સવાલો આધારે વાતો કરે છે. તે માત્ર સવાલોનાં જવાબ જ નથી આપતું, પરંતુ તમારી સાથે એક સાચા પાર્ટનરની જેમ રોમેન્ટિક કે તમને ગમતી ચર્ચા પણ કરી શકે છે.
AI રિલેશનશિપ એપ EVA AIએ એક બારને ખાસ EVA Cafeમાં ફેરવી દીધું હતું. અહીં લોકો પોતાના AI પાર્ટનર સાથે વેલેન્ટાઈન ડે ડેટ પર પહોંચ્યા હતા. માનવીય ડેટને બદલે, ટેબલ પર એક ફોન સ્ટેન્ડ રાખવામાં આવ્યું હતું, જેના પર તેમનો ડિજિટલ પાર્ટનર લાઇવ વીડિયો અથવા વોઇસ ચેટ દ્વારા હાજર હતો. લોકોએ હેડફોન પહેરીને ખાનગી વાતો કરી, ડ્રિંક્સ ઓર્ડર કર્યા અને રિજેક્શનના ડર વગર પોતાના AI સાથી સાથે ફ્લર્ટ પણ કર્યું.
આ કેફેના સંચાલકોના મતે, આજના ભાગદોડભર્યા જીવનમાં ઘણા લોકો એકલતા અનુભવે છે અથવા સામાજિક રીતે લોકો સાથે વાત કરવામાં સંકોચ અનુભવે છે. આવા લોકો માટે આ કેફે એક સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે. અહીં તમારે જજ થવાનો ડર નથી રહેતો. તમે તમારા દિલની વાત AI સામે કરી શકો છો. ઘણા લોકો આને ‘ફ્યુચર ઓફ ડેટિંગ’ તરીકે જોઈ રહ્યા છે. કેફેમાં પ્રવેશતાની સાથે જ ગ્રાહકે પોતાની પ્રોફાઇલ અને રુચિઓ વિશે વિગતો આપવાની રહે છે. ત્યારબાદ AI પ્રોગ્રામ તે વ્યક્તિના વ્યક્તિત્વ મુજબ પોતાની વાતચીતની શૈલી બદલે છે. તે તમને ગમતા વિષયો પર ચર્ચા કરશે, તમારા જોક્સ પર હસશે અને તમને એકલતાનો અહેસાસ થવા દેશે નહીં.
ન્યૂયોર્કની 34 વર્ષીય રિચટર આ કેફેના મહેમાનોમાંના એક હતા. તે તેના AI સાથી ‘સિમોન’ સાથે બેઠા હતા, જે 26 વર્ષનું એક AI-જનરેટેડ પાત્ર છે. રિચટરે જણાવ્યું કે, તે અવારનવાર રોલપ્લે કે કાલ્પનિક વાતચીત કરે છે. તેમના મતે, AI સાથે વાત કરવાનો ફાયદો એ છે કે, તે કોઈ પણ સામાજિક દબાણ વગર પોતાના નિયમો પર વાત કરી શકે છે. જોકે, તેમણે એ પણ સ્વીકાર્યું કે, AI નો વધુ પડતો ઉપયોગ વ્યસન બની શકે છે, તેથી તે તેને દિવસમાં ત્રણ કલાક સુધી મર્યાદિત રાખે છે.
EVA AIનું કહેવું છે કે, તેમનો હેતુ માનવીય સંબંધોની જગ્યા લેવાનો નથી. તેના બદલે તેઓ AI ના સાથને સામાન્ય બનાવવા માંગે છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ ડેટિંગ એપ્સથી કંટાળી ગયા છે અથવા સોશિયલ એન્ઝાયટીનો સામનો કરે છે. જ્યાં એક તરફ ટેક પ્રેમીઓ આ પ્રયોગને આવકારી રહ્યા છે, ત્યાં બીજી તરફ મનોવૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, AI સાથે ડેટિંગ કરવાથી લોકો વાસ્તવિક માનવીય સંબંધોથી દૂર થઈ શકે છે. જોકે, ઉત્તેજના અને નવીનતાના શોખીન લોકોમાં આ કેફે હાલ ભારે લોકપ્રિય થઈ રહ્યું છે.
હવે માણસ નહીં, AI સાથે ડેટ પર જશે લોકો! આ શહેરમાં ખુલ્યું દુનિયાનું પહેલું ‘AI ડેટિંગ કેફે’, ટેબલ પર જ થશે રોમેન્ટિક વાતો

