Final Up to date:
રાજકોટ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ધોરણ 12 સાયન્સ A ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે યોજાયેલી JEE મેઈન પરીક્ષામાં એલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી નિમય પુરોહિતે 100 પર્સન્ટાઈલ મેળવી સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા માતા-પિતાના પરિવારથી આવતા હોવા છતાં નિમયે પોતાની રૂચિ મુજબ એન્જિનિયરિંગ પસંદ કરી અને આજે રાજ્યસ્તરે ટોચની સિદ્ધિ મેળવી છે.
રાજકોટ: ધોરણ 12 સાયન્સ A ગ્રૂપના વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ પ્રવેશની મહત્વપૂર્ણ JEE મેઈન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. રાજકોટના એલન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી નિમય પુરોહિતે 100 પર્સન્ટાઈલ મેળવી ગુજરાતમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. માતા-પિતા તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા છતાં નિમયે પોતાની રૂચિ મુજબ એન્જિનિયરિંગ પસંદ કરી અને આજે રાજ્યમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.
નિમય પુરોહિતે JEE મેઈનમાં શાનદાર પ્રદર્શન કરતાં 100 પર્સન્ટાઈલ સ્કોર કર્યો છે. તે હાલ JEE એડવાન્સ માટે સઘન તૈયારી કરી રહ્યો છે. તેનું અંતિમ લક્ષ્ય IIT મુંબઈમાં પ્રવેશ મેળવી એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાનો છે. નિમય જણાવે છે કે તેની તૈયારી સુવ્યવસ્થિત આયોજન સાથે આગળ વધતી રહી. ઓગસ્ટ 2025 સુધીમાં સમગ્ર સિલેબસ પૂર્ણ કરી દીધો હતો અને ત્યારબાદ જાન્યુઆરી સુધી સતત રિવિઝન પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
વધુમાં કહ્યું હતું કે, નિયમિત ટેસ્ટ પ્રેક્ટિસ તેના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ. દૈનિક ટેસ્ટ અને વિશ્લેષણના કારણે પોતાની ભૂલો ઓળખી અને સુધારવાનો મોકો મળ્યો. પરિણામે ફિઝિક્સ વિષયમાં તેને 100માંથી 100 ગુણ પ્રાપ્ત થયા હતા. જ્યારે મેથ્સમાં 96 અને કેમિસ્ટ્રીમાં 95 ગુણ મેળવ્યા હતા. સતત મહેનત, સમયપત્રકનું પાલન અને શિક્ષકોનું માર્ગદર્શન સફળતાના મુખ્ય આધારસ્તંભ રહ્યા હતા.

નિમયના પિતા હર્ષલભાઈ અને માતા દર્શનાબેન બંને ફિઝિયોથેરાપિસ્ટ છે. તબીબી પૃષ્ઠભૂમિ હોવા છતાં નિમયે એન્જિનિયરિંગ ક્ષેત્ર પસંદ કર્યું હતું. જણાવ્યું હતું કે, છઠ્ઠા ધોરણથી જ તેને ગણિત પ્રત્યે ખાસ લગાવ હતો. મુશ્કેલ સમીકરણો ઉકેલવામાં તેને આનંદ આવતો હતો અને ધીમે ધીમે એન્જિનિયરિંગ ક્ષેત્ર તરફ તેની રૂચિ મજબૂત બની છે. પરિવાર તરફથી તેને સંપૂર્ણ સમર્થન મળ્યું, જેના કારણે પોતાનો પસંદગીનો માર્ગ અપનાવવામાં કોઈ અડચણ આવી નહીં.
નિમયે કહ્યું હતું કે, JEE જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા માટે ફક્ત બુદ્ધિ પૂરતી નથી, પરંતુ યોગ્ય દિશામાં સતત પ્રયત્ન જરૂરી છે. તેણે સોશિયલ મીડિયા અને અન્ય વિક્ષેપોથી દૂર રહી અભ્યાસ પર ફોકસ રાખ્યો. સમયનું યોગ્ય મેનેજમેન્ટ અને નિયમિત પુનરાવર્તન તેની તૈયારીનો મહત્વનો ભાગ રહ્યો છે. રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટના સેન્ટર હેડ અમ્રિતાશ મુખરજીએ નિમયની સિદ્ધિને ગૌરવપૂર્ણ ગણાવી છે. તેઓ જણાવે છે કે અહીંથી 300થી વધુ વિદ્યાર્થીઓએ JEE મેઈનની પરીક્ષા આપી હતી અને સંસ્થામાં ધોરણ 9થી જ કોન્સેપ્ટ આધારિત તૈયારી પર ભાર મૂકવામાં આવે છે. મજબૂત આધારભૂત સમજણને કારણે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મેળવી શકે છે.
