Final Up to date:
સુરત શહેરના વરિયાવી બજારની ક્લિનિકમાં તરૂણી નર્સિંગ ક્ષેત્રમાં અનુભવ મેળવવા માટે કામ શીખવા જતી હતી. ક્લિનિકના તબીબે તેની ઓળખાણ ત્યાં પહેલાથી કામ કરતા નેવીલ મોદી નામના હેલ્પર સાથે કરાવી હતી.
સુરત: શહેરમાં ફરી એકવાર વિશ્વાસને ઝંઝોડતી ઘટના સામે આવી છે. વરિયાવી બજાર વિસ્તારમાં આવેલી એક ખાનગી ક્લિનિકમાં નર્સિંગનું કામ શીખતી તરૂણી સાથે ક્લિનિકના હેલ્પર દ્વારા દુષ્કર્મ ગુજાર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. બનાવ અંગે નવ મહિનાં સુધી મૌન રાખ્યા બાદ પીડિતાએ હિંમત કરીને લાલગેટ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
માહિતી અનુસાર, તરૂણી નર્સિંગ ક્ષેત્રમાં અનુભવ મેળવવા માટે વરિયાવી બજાર સ્થિત ક્લિનિકમાં કામ શીખવા જતી હતી. ક્લિનિકના તબીબે તેની ઓળખાણ ત્યાં પહેલાથી કામ કરતા નેવીલ મોદી નામના હેલ્પર સાથે કરાવી હતી. કામ શરૂ કર્યાના થોડા જ દિવસોમાં નેવીલ દ્વારા તરૂણી સાથે અયોગ્ય વર્તન અને છેડછાડ શરૂ કરાઈ હતી. પીડિતાના જણાવ્યા મુજબ, તેણે શરૂઆતમાં વિરોધ કર્યો હતો, પરંતુ નોકરી છૂટી જશે તે ભયથી તેણે ઘરે વાત કરી નહોતી. આરોપીએ તરૂણીના અશ્લીલ ફોટા પાડી લીધા અને તે વાયરલ કરવાની ધમકી આપીને દબાણ બનાવ્યું. આ ધમકીઓના આધારે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે.
ઘટના બાદ તરૂણીએ સમગ્ર મામલો ક્લિનિકના તબીબને જણાવ્યો હતો. ત્યારબાદ બંને પક્ષના પરિવારોને બોલાવીને મામલો સમાધાનથી દબાવી દેવાયો હતો. જોકે, છેલ્લા નવ મહિનાથી આ બનાવ અંગે સતત માનસિક તણાવ અનુભવતી તરૂણી અંતે હિંમત કરીને પોલીસનો દરવાજો ખખડાવ્યો છે. ફરિયાદના આધારે લાલગેટ પોલીસે ગુનો નોંધીને આરોપી નેવીલ મોદીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા વધુ પૂછપરછ અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેસની તપાસ દરમિયાન ક્લિનિક સંચાલન અને અગાઉ થયેલા સમાધાનની ભૂમિકા અંગે પણ તપાસ થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ બનાવે આરોગ્ય સેવાઓ જેવી સંવેદનશીલ જગ્યાએ સુરક્ષા અને વિશ્વાસના મુદ્દાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે પીડિતાને જરૂરી કાનૂની અને માનસિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કેસની નિષ્પક્ષ તપાસ થશે.

