Final Up to date:
પરંપરાગત ખેતીમાં પણ યોગ્ય આયોજન, વૈજ્ઞાનિક પદ્ધતિ અને સતત મહેનત હોય તો ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી શકે છે. પાટણ જિલ્લાના રૂની ગામના ખેડૂત હિતેશભાઈ પટેલે દેશી ગાજરની ખેતીને વ્યાવસાયિક સ્તરે લઈ જઈને એ સાબિત કરી બતાવ્યું છે. પોતાની જાતે બિયારણ તૈયાર કરીને, સમયસર સંવર્ધન અને ગુણવત્તા પર ધ્યાન આપી ઉગાડે છે.
પાટણ: પાટણ જિલ્લાના રૂની ગામના ખેડૂત હિતેશભાઈ પટેલ વર્ષોથી દેશી ગાજરની ખેતી સાથે જોડાયેલા છે. પરંપરાગત ખેતી કરવા છતાં, તેમણે વ્યાવસાયિક રીતે ગાજરની ખેતીમાં સફળતા હાંસલ કરી છે અને આજે તેઓ આ ખેતીથી નોંધપાત્ર આવક કમાઈ રહ્યા છે. તેમની ખેતી પદ્ધતિ આજુબાજુના ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે. હિતેશભાઈ પોતે જ દેશી ગાજરનું બિયારણ તૈયાર કરે છે, જેની શુદ્ધતા જાળવવાનું અને ઉત્પાદનની ગુણવત્તામાં વધારો કરવાનું કાર્ય કરે છે. હાલમાં તેઓ કુલ 6 વીઘામાં ગાજરનું વાવેતર કરે છે. રૂની ગામમાં લગભગ 70 થી 80% ખેડૂતો ગાજરની ખેતી કરે છે, પરંતુ યોગ્ય સંભાળ, સમયસર કામગીરી અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવાને કારણે હિતેશભાઈને અન્ય ખેડૂતો કરતા વધુ ભાવ મળે છે.
આ વર્ષે ગાજરનો ભાવ 200 થી 250 રૂપિયા પ્રતિ મણ મળતા ખેડૂતોને રાહત મળી છે. હિતેશભાઈ જણાવે છે કે જો આવો પોષણક્ષમ ભાવ સતત મળે, તો એક વીઘામાંથી 90,000 થી 1,00,000 રૂપિયા સુધીની આવક શક્ય બને છે. એક વીઘામાં ગાજરની ખેતીનો કુલ ખર્ચ અંદાજે 15,000 થી 20,000 રૂપિયા થાય છે, જેમાં બિયારણ, ખાતર, ખેડ, સિંચાઈ, મજૂરી અને પરિવહનનો સમાવેશ થાય છે. ખર્ચ સામે આવક જોતા ગાજરની ખેતી ખૂબ જ નફાકારક સાબિત થઈ રહી છે. હિતેશભાઈ ઓગસ્ટ મહિનાની 15 તારીખથી ગાજરનું વાવેતર શરૂ કરે છે. લગભગ 3 મહિના સુધી નિયમિત સંવર્ધન બાદ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પાક તૈયાર થઈ જાય છે. ત્યારબાદ ગાજરને મશીન વડે ધોઈને પાટણ માર્કેટ યાર્ડમાં વેચાણ માટે લઈ જવાય છે, જ્યાંથી વેપારીઓ આ ગાજરને સુરત, બોમ્બે, વાપી અને પુના જેવા શહેરોમાં મોકલે છે.

જો વાતાવરણ અનુકૂળ રહે તો એક વીઘામાંથી 200 મણથી 400 મણ સુધીનું ઉત્પાદન મેળવી શકાય છે. નદી કિનારાના વિસ્તારમાં ઉગતા રૂની ગામના દેશી ગાજર તેની મોટી સાઈઝ, લાલ ચટક કલર અને મીઠા સ્વાદ માટે જાણીતા છે. આ ગુણવત્તાના કારણે રૂની ગામનું ગાજર માત્ર પાટણ જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત બન્યું છે. ગાજરની ખેતીથી ખેડૂતોને માત્ર પાકની આવક જ નથી મળતી, પરંતુ પલુર દ્વારા પશુપાલનમાં પણ ફાયદો થાય છે. ગાજરનું ઉપરનું ઘાસ પશુઓના દૂધના ફેટમાં વધારો કરે છે, જેના કારણે પશુપાલકોને વધારાની આવક મળે છે. આ રીતે ગાજરની ખેતી ખેતી અને પશુપાલન બંનેને જોડતી સંકલિત ખેતી પદ્ધતિ બની છે.
