Final Up to date:
આજે અમે તમને એક એવા એક્ટર વિશે જણાવીશું કે જેમણે સચિન જેવા ટોપનાં ક્રિકેટર સાથે ડેબ્યૂ કર્યું અને પછી 28 વર્ષની ઉંમરમાં ક્રિકેટ દુનિયાને અલવિદા કહ્યું. ત્યારબાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી.
કપિલ દેવ, ઇરફાન પઠાન, સુનીલ ગાવસ્કર, હરભજન સિંહ અને શિખર ધવન સહિત ક્રિકેટ જગતમાં અનેક સ્ટાર એવા છે કે જેમણે બોલિવૂડ ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો હોય. પરંતુ શું તમે ક્રિકેટ જગતનાં એ સ્ટાર વિશે જાણો છો જેને ક્રિકેટ છોડીને એક્ટિંગમાં કરિયર બનાવી? અમે વાત કરી રહ્યા છીએ ટીમ ઇન્ડિયાનાં પૂર્વ ખેલાડી સલિલ અંકોલાની, જેમણે ફિલ્મોમાં અભિનય કરવા માટે માત્ર 28 વર્ષની ઉંમરમાં ક્રિકેટ જગતમાંથી વિદાય લીધી. સલિલ અંકોલાએ સચિન તેન્ડુલકરની સાથે ડેબ્યૂ કર્યું હતું. આટલું જ નહીં ઇન્ટરનેશનલ લેવલ પર માત્ર 20 મેચ રમ્યા અને પછી અચાનક ક્રિકેટમાંથી સંન્યાસ લીધો. પરંતુ ક્રિકેટ પછી એક્ટિંગની દુનિયા એક્ટર માટે ખૂબ અઘરી સાબિત થઈ. ખાસ કરીને દારૂની લતે એક્ટરને અનેક ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
સલિલ અંકોલાને એક સમયે ભારતીય ક્રિકેટ ટીમનાં ઝડપી બોલરમાંના એક ગણવામાં આવતા હતા. સલિલ અંકોલાએ સચિન તેંડુલકરની સાથે પાકિસ્તાનની વિરુદ્ધ ભારત માટે ડેબ્યૂ કર્યું અને પછી ક્રિકેટર છોડીને બોલિવૂડમાં પગ મૂક્યો. ત્યારબાદ કરિયરમાં એવો સમય આવ્યો જ્યારે નાના પડદા પર પણ કામ કરવાનો વારો આવ્યો હતો. ક્રિકેટથી લઈને એક્ટિંગ સુધી સલિલ અંકોલાની સફરમાં અનેક ઉતારચઢાવ આવ્યા છે. ક્રિકેટર તેમજ એક્ટરની જિંદગી એક ફિલ્મી સ્ક્રિપ્ટ જેવી છે જેના પર એક પૂરી ફિલ્મ બની શકે છે.
28 વર્ષની ઉંમરમાં ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
સલિલ અંકોલાએ બહુ નાની ઉંમરમાં ક્રિકેટની શરૂઆત કરી હતી. વર્ષ 1988 માં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત કરી અને પહેલી સિઝનમાં 27 વિકેટ લઈને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ બહુ જલદી નેશનલ ટીમમાં જગ્યા બનાવી અને સચિન તેંડુલકરની સાથે પાકિસ્તાનની વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું. ટેસ્ટ કરિયર તો એક મેચ પૂરતું જ સીમિત રહ્યું. ત્યારબાદ સતત ટીમમાંથી બહાર રહેવાને કારણે 28 વર્ષની ઉંમરમાં જ ક્રિકેટને અલવિદા કહ્યું.
ક્રિકેટ છોડીને એક્ટર બન્યો
ક્રિકેટને અલવિદા કહ્યા બાદ સલિલ અંકોલાએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો. વર્ષ 2000 માં કુરુક્ષેત્રથી ડેબ્યૂ કર્યું. પછી પિતા જેવી અનેક ફિલ્મોમાં મહત્વની ભૂમિકા નિભાવી. આટલું જ નહીં સલિલ અંકોલાએ બિગ બોસની પહેલી સિઝનમાં પણ ભાગ લીધો હતો. ફિલ્મ પછી સલિલ અંકોલાએ ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો.
દારૂની લતે કરિયરની પથારી ફેરવી નાખી
સલિલની જિંદગીમાં 2008 માં એક મોટો ટર્ન આવ્યો. એક્ટિંગની ઓફર્સ મળવાની બંધ થતા એક્ટરે દારૂ પીવાનું શરૂ કર્યું અને પર્સનલ લાઇફ પણ ખરાબ કરી દીધી. દારૂની લતને કારણે 19 વર્ષનું લગ્ન જીવન ભાંગી પડ્યું. જો કે હિંમત હાર્યા નહીં અને પછી રિહેબ સેન્ટરનો સહારો લઈને દારૂની લત છોડી. ત્યારબાદ 2013 માં ફરી નાના પડદા પર વાપસી કરી. હાલમાં સલિલ તેની બીજી પત્ની અને દીકરીની સાથે લાઇફ જીવી રહ્યો છે.
Mumbai,Maharashtra

