Final Up to date:
ભાવનગર જિલ્લામાં આકરા તાપની શરૂઆત સાથે જ બજારમાં લીંબુની માંગમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસથી લીંબુના ભાવ પ્રતિ મણ 1,900 થી 2,300 સુધી પહોંચ્યા છે. ગત મહિનાની સરખામણીએ ભાવમાં ધરખમ સુધારો થતાં લીંબુ પકવતા ખેડૂતોમાં હર્ષની હેલી જોવા મળી રહી છે.
ભાવનગર: ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો બાગાયતી પાકોનું વાવેતર કરતા હોય છે. ભાવનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ બાગાયતી પાકોનું વાવેતર કરવામાં આવે છે. અને ખેડૂતો બાગાયતી પાક તરીકે લીંબુનું વાવેતર કરી તેમાંથી સારી એવી આવક અને ઉત્પાદન મેળવતા હોય છે. ખાસ કરીને હાલ ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે ત્યારે લીંબુની ખાસ માંગ રહેલી છે, જેના કારણે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં ભાવ પણ સારા મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
આ વર્ષે અનેક ખેડૂતોને લીંબુની ખેતીમાં ગત વર્ષની સરખામણીએ સારા ભાવ મળી રહ્યા છે. હાલ આકરો તાપ વધતા લીંબુની માંગ વધી છે અને તેની સામે ખેડૂતોને 100 રૂપિયાથી લઈ 130 રૂપિયા પ્રતિ કિલોએ એવરેજ ભાવ મળી રહ્યા છે, જેને કારણે લીંબુ પકવતા ખેડૂતો હાલ ખુશ જોવા મળી રહ્યા છે અને આ પ્રકારે ભાવ મળી રહે તેવી આશા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળામાં પુષ્કળ તાપ પડી રહ્યો છે, જેના કારણે લીંબુનો ઉપયોગ પણ લોકો વધુ પ્રમાણમાં કરતા હોય છે, ત્યારે માર્કેટિંગ યાર્ડમાં હાલ લીંબુના ભાવમાં ખૂબ સારો સુધારો આવ્યો છે, ઉછાળો આવ્યો છે, જેના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ સારું ઉત્પાદન લીંબુમાંથી મળી રહેશે તેવી ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં થયેલ હરાજીની વાત કરવામાં આવે તો ગત તારીખ 10 માર્ચના રોજ લીંબુના ભાવ પ્રતિ મણે 1900 રૂપિયાથી લઈને 2300 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે 11 માર્ચના રોજ થયેલ હરાજીમાં લીંબુના ભાવ પણ 1,900 રૂપિયાથી લઈને 2,300 રૂપિયા સુધી મળી રહ્યા છે, એટલે ખેડૂતોને 100 કરતાં પણ વધુના એવરેજ ભાવ મળતા ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. જ્યારે ગત મહિને લીંબુના ભાવ 1200 રૂપિયાથી લઈને 1600 રૂપિયાની આસપાસ મળતા હતા.
આ અંગે અહીં લીંબુનું વેચાણ કરવા આવેલા દયાળભાઈએ જણાવ્યું હતું કે, લીંબુના ભાવમાં ખૂબ સારો સુધારો થયો છે, જેથી અમે ખૂબ ખુશ છીએ. ખાસ કરીને લીંબુના ભાવ જોઈએ તો દરેક ખેડૂતોને લગભગ 100 કરતાં વધુ મળી રહ્યા છે, જે ખૂબ સારી બાબત કહેવાય. ઉનાળાની ઋતુની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવમાં સારો ઉછાળો આવ્યો છે, જેથી અમને આ વર્ષે ખૂબ સારા ઉત્પાદનની આશા રહેલી છે. દરેક સિઝનમાં આ પ્રમાણે અમને લીંબુના ભાવ મળતા રહે તેવી અમે આશા વ્યક્ત કરી રહ્યા છીએ. હાલ 100 રૂપિયા કરતાં પણ વધુ લીંબુનો ભાવ મળી રહ્યો છે, જે દરેક ખેડૂતો માટે એક ખુશીની બાબત કહેવાય.
Bhavnagar,Gujarat
