મહારાષ્ટ્રના ગોંદિયાની રહેવાસી 20 વર્ષીય મિસ્બાહ અશરફી ઉર્ફ સિયા. ભણવામાં હોંશિયાર હતી અને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેતી. ઇન્સ્ટાગ્રામ પર તેને હજારો ફોલોઅર્સ હતા. તે ખુલ્લા વિચારો અને પોતાની શરતો પર જિંદગી જીવવા માગતી હતી, પણ તેની ઈચ્છા તેને એવા રસ્તે લઈ ગઈ, જ્યાં છેલ્લે દગો અને મોત મળ્યું.
મિસ્બાહ મૂળ તો ગોંદિયાના સિવિલ લાઈન વિસ્તારની રહેવાસી હતી અને નાનીના ઘરે મોટી થઈ. પારિવારિક મતભેદોના કારણે તે નાનીનું ઘર છોડી પેઈંગ ગેસ્ટ બનીને ભાડાના મકાનમાં રહેવા લાગી. પહેલા કપડાની દુકાન અને પછી કેટરિંગમાં વેટરનું કામ, આ દરમિયાન તેની મુલાકાત દીપક પટેલ સાથે થઈ.
24 એપ્રિલ 2025ના રોજ ગોંદિયાના ગ્રામીણ વિસ્તારમાં આયોજિત સામૂહિક લગ્નમાં મિસ્બાહે ગુજરાતના દીપક પટેલ સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેણે પોતાનું નામ બદલી સિયા રાખી લીધું અને પતિ સાથે નડિયાદ જતી રહી. પ્રેમમાં ડૂબેલી સિયાએ હાથ પર દીપક નામ અને તેની જન્મતિથિ 26 મે 1992નું ટેટૂ પણ બનાવ્યું.
સિયા ખુલ્લા વિચારોની હતી. તેનું સ્પષ્ટ કહેવું હતું કે મને જિંદગીમાં રોક-ટોક નથી જોઈતી. કોઈ રિસ્ટ્રિક્શન ન જોઈએ. મને એકદમ ફ્રીડમ જોઈએ. આ વિચાર ધીમે ધીમે પતિ દીપક સાથે તણાવનું કારણ બન્યો. ઘર-ગૃહસ્થી અને આઝાદ વિચારના ટકરાવે સંબંધમાં તિરાડો નાખી અને આખરે છૂટાછેડા થઈ ગયા. છૂટાછેડાના બદલામાં સિયાને દોઢ લાખ રૂપિયા મળ્યા.
ત્યાર બાદ ડેટિંગ એપ અને ઇન્સ્ટાગ્રામ દ્વારા સિયાની દોસ્તી ભોપાલના રહેવાસી સમીર સાથે થઈ. તે ખુદને કુંવારા ગણાવતો હતો. દોસ્તી પ્રેમમાં બદલાઈ અને ઓક્ટોબર 2025માં સિયા બધું છોડી ભોપાલમાં પહોંચી ગઈ. ત્યાં તે સમીર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગી અને છૂટાછેડામાં મળેલા રૂપિયા સમીર પર ખર્ચ કરવા લાગી. વ્યવસાયે ઓટો રિક્ષા ચલાવનારો સમીર આળસુ હતો. કામે પણ નહોતો જતો.
બાદમાં ખુલાસો થયો કે સમીરે સિયા પાસે બે લગ્ન છુપાવ્યા હતા. પહેલી પત્ની તેને છોડી ચૂકી હતી, જ્યારે બીજી પત્ની અને બે બાળકો સાથે ત્યાં રહેતો હતો. કમલા નગર વિસ્તારની ઝૂંપડીમાં રહેતી સિયાએ હાલત બગડતી જોઈ ખુદ કામ કરવાનું શરુ કર્યું અને આર્ટિફિશિયલ જ્વેલરીની દુકાનમાં નોકરી કરવા લાગી.
સિયાને પથરીની બીમારી હતી. તબિયત ખરાબ થઈ તો દવા ખરીદવાના પૈસા પણ નહોતા. ગોંદિયામાં માસીને મેસેજ કર્યો અને 150 રૂપિયા ઓનલાઈન મોકલ્યા. દવા લાવી પણ ગુસ્સામાં સમીરે તેની દવા સળગાવી દીધી. ઘરમાં ઝઘડા વધવા લાગ્યા. સિયા લગ્નનું પ્રેશર બનાવવા લાગી. હાલત બગડતી જોઈ સમીરની પત્ની પિયર જબલપુરમાં જતી રહી.
7 ફેબ્રુઆરીની સવારે સિયાએ પોતાની મમ્મીને ફોન કરી કહ્યું કે કામ પર જઈ રહી છું. ભૂખી છું. 50-60 રૂપિયા મોકલી દો. સાંજ થતાં ફોન બંધ આવ્યો. બીજો દિવસે કોન્ટેક્ટ થયો નહીં. પૂછ્યું તો સમીર બહાનું બનાવતો રહ્યો, ક્યારેક ફોન તોડવાની કહાની, તો ક્યારેક સિયા પર 15 હજાર લઈને ઘરેથી ભાગવાનો આરોપ અને ફરિયાદ નોંધાવાની પણ ધમકી આપી.
હકીકત એ હતી કે 7 ફેબ્રુઆરીના રોજ સાંજે સિયા અને સમીર વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં આવેલા સમીરે મોકો જોઈ સિયાનું ગળું દબાવી હત્યા કરી નાખી. 8 ફેબ્રુઆરીની રાતે પૂરાવા નાશ કરવા માટે તેણે પરિવારની મદદ લીધી. બીજી પત્નીએ દહેજમાં લાવેલી લોખંડની મોટી પેટીમાં સિયાની લાશ, પથ્થર અને ઈંટ ભરી દોરડા વડે બાંધી હાઉસિંગ બોર્ડની કોલોની નજીક ખુલ્લા મેદાનમાં આવેલા સેપ્ટિક ટેન્કમાં બોક્સ ફેંકી દીધું. બાદમાં સમીર પત્નીને લઈને જબલપુર જતો રહ્યો.
13 ફેબ્રુઆરીના રોજ બાળકો મેદાનમાં રમી રહ્યા હતા. અત્યંત દુર્ગંધ આવી. સેપ્ટિક ટેન્ક સાફ કરાવી તો અંદરથી પેટીમાં સડેલી લાશ મળી. ગળાની નજીક ગુલાબ-પત્તીનું ટેટૂ અને હાથ પર બનાવેલું દીપ નામ તથા જન્મતિથિ, અહીંથી નિશાતપુરા પોલીસને સૂરાગ મળ્યા.
ફોરેન્સિક ટીમ પહોંચી, પોસ્ટમોર્ટમ થયું અને સર્વિલન્સની મદદથી 24 કલાકમાં બ્લાઈંડ મર્ડર મિસ્ટ્રી સોલ્વ થઈ ગઈ. મૃતકની ઓળખ સિયા ઉર્ફ મિસ્બાહ અશરફી ગોંદિયા મહારાષ્ટ્રની રહેવાસી તરીકે થઈ.
પોલીસે ગુપ્તચરોની સૂચના પર જેવો સમીર ભોપાલ આવ્યો, તેને દબોચી લીધો. હત્યાના કેસમાં સમીર, તેની બહેન સાયમા, મા શહનાઝ અને ભાઈ સાહિલ વિરુદ્ધ કેસ નોંધી તમામની ધરપકડ કરી લીધી.
