Final Up to date:
જો તમે રેલવેમાં કામ શીખવાની સાથે કમાણી કરવા માંગો છો, તો રેલ વ્હીલ ફેક્ટરી (RWF) તમારા માટે સારા સમાચાર લઈને આવી છે. રેલવેની આ કંપની એપ્રેન્ટિસ પ્રોગ્રામ દ્વારા ઉમેદવારોને મફત ટ્રેનિંગ અને માસિક સ્ટાઈપેન્ડ આપશે.
Railway Apprentice 2026: જો તમે ટેકનિકલ ક્ષેત્રે પાયાનો અનુભવ મેળવવા માંગો છો અને રેલવેમાં કામ શીખવાની સાથે કમાણી કરવા ઈચ્છો છો, તો રેલ વ્હીલ ફેક્ટરી (RWF) તમારા માટે સારા સમાચાર લઈને આવી છે. રેલવેની આ કંપની દ્વારા વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટિસ ટ્રેનિંગ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં પસંદગી પામનાર ઉમેદવારોને મફત ટ્રેનિંગ અને માસિક સ્ટાઈપેન્ડની સાથે સર્ટિફિકેટ પણ મળશે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 192 ઉમેદવારોને પસંદ કરવામાં આવશે.
આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 192 પદો ભરવામાં આવશે. જેમાં ફિટરની 85 જગ્યાઓ, મિકેનિસ્ટની 31 જગ્યાઓ, CNC પ્રોગ્રામિંગ કમ ઓપરેટરની 23 જગ્યાઓ, ઈલેક્ટ્રિશિયનની 18 જગ્યાઓ ભરવામાં આવશે. આ ઉપરાંત ઈલેક્ટ્રોનિક મિકેનિકની 22 જગ્યાઓ, મિકેનિક (મોટર વ્હીકલ) માટે 8 અને ટર્નર માટે 5 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.
રેલવેની આ એપ્રેન્ટિસ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્કસ સાથે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ સાથે NCVT માન્ય સંસ્થામાંથી સંબંધિત પદ માટે NTC (નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ) હોવું અનિવાર્ય છે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર 15 થી 24 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને સરકારી નિયમ મુજબ છૂટછાટ મળશે (SC/ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ).
ભરતીનું સત્તાવાર નોટિફિકેશન
ટ્રેનિંગ દરમિયાન ફિટર, મિકેનિસ્ટ અને ઈલેક્ટ્રિશિયન જેવા ટ્રેડ માટે દર મહિને ₹12,261 સ્ટાઈપેન્ડ (વેતન) મળશે. જ્યારે CNC પ્રોગ્રામિંગ ઓપરેટરને ₹10,899 સુધીનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા કોઈ પરીક્ષા વગર, માત્ર ધોરણ 10 ના માર્કસના આધારે મેરિટ લિસ્ટ બનાવીને કરવામાં આવશે.
આ ભરતી માટે ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે. સત્તાવાર વેબસાઇટ https://rwf.indianrailways.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરી તમામ વિગતો જેવી કે નામ, સરનામું અને શૈક્ષણિક વિગતો ધ્યાનથી ભરવી. ફોર્મ સાથે ધોરણ 10 ની માર્કશીટ, જાતિનું પ્રમાણપત્ર (SC, ST અને OBC વર્ગ માટે) અને ટ્રેડ સર્ટિફિકેટની નકલો જોડવી. ત્યાર બાદ સિનિયર પર્સનલ ઓફિસર-II, પર્સનલ ડિપાર્ટમેન્ટ, રેલ વ્હીકલ ફેક્ટરી, યેલાહંકા, બેંગલોર ખાતે પોસ્ટ કે કુરિયર દ્વારા અરજી મોકલવાની રહેશે.
અરજી કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ 2026 છે. અરજી પ્રક્રિયા પૂર્ણ થયાના 45 દિવસમાં મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને તેના 15 દિવસ બાદ ટ્રેનિંગ શરૂ થશે. સામાન્ય અને OBC કેટેગરીના ઉમેદવારો માટે ₹100 અરજી ફી રાખવામાં આવી છે. જ્યારે SC/ST અને મહિલાઓ માટે કોઈ ફી નથી.
રેલવેમાં કામ કરવાની ઉત્તમ તક: RWF એપ્રેન્ટિસ તરીકે ટ્રેનિંગ સાથે મળશે માસિક વેતન! જાણો કેવી રીતે કરશો અરજી

