Final Up to date:
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ વર્તમાન કોર્પોરેટરોની સંભવત: આખરી બેઠકમાં 470 કરોડના વિકાસ કામોને મંજૂરી આપી છે. જેમાં 220 કરોડનો ગ્રીન રિંગરોડ, 30 કરોડનું ફાયર સ્ટેશન અને નવું આરોગ્ય કેન્દ્ર-સ્પોર્ટ્સ સંકુલનો સમાવેશ છે.
રાજકોટ: મહાનગરપાલિકાના વર્તમાન કોર્પોરેટરોની 11મી માર્ચના રોજ અવધિ પૂર્ણ થઈ રહી છે. ત્યારે સંભવતઃ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીની આખરી બેઠક મળી હતી. આખરી બેઠકમાં અધધ 470 કરોડ રૂપિયાના વિકાસ કામોને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 115 દરખાસ્તો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ચર્ચા-વિચારણાના અંતે 115 દરખાસ્તો પૈકી 106 જેટલી દરખાસ્તોને લીલી ઝંડી આપવામાં આવી છે. જ્યારે કે, નવ જેટલી દરખાસ્તોને હાલ પેન્ડિંગ રાખવામાં આવી છે.
મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવેલી દરખાસ્તમાં મુખ્ય પ્રોજેક્ટ્સમાં રૂ. 220 કરોડનો ગ્રીન રિંગરોડ, રૂ. 30 કરોડનું આજીડેમ ખાતે નવું ફાયર સ્ટેશન સાથે સ્ટાફ ક્વાર્ટર્સ, જ્યુબિલી શાક માર્કેટનું રિનોવેશન અને નવું આરોગ્ય કેન્દ્ર-સ્પોર્ટ્સ સંકુલનો સમાવેશ છે. કર્મચારીઓની તબીબી સહાય રૂ. 1 લાખથી વધારીને રૂ. 3 લાખ કરવામાં આવી છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બિનજરૂરી રૂ. 90 કરોડના કામો અટકાવીને પ્રજાના પૈસાનો સદુપયોગ કર્યો છે. તેમજ જરૂરી વિકાસલક્ષી કાર્યો માટે રૂ. 256 કરોડની ગ્રાન્ટ માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની ફાળવણી કેટલા સમયમાં કરવામાં આવે છે તે પણ જોવું અતિમહત્વનું બની રહેશે.
ચેરમેન જયમીન ઠાકરે વધુમાં કહ્યું કે, ભગવતીપરા નાલું, ઓમ પાર્ક બ્રિજ, રસ્તા-જાળવણી અને કેટલીક પાઇપલાઇનની દરખાસ્તોને નામંજૂર અથવા પેન્ડિંગ રાખવામાં આવી છે. આગામી ચૂંટણી પહેલાં મંજૂર થયેલા કામોનો અમલ કેટલો થશે કે કેમ તે આવનારો સમય જ બતાવશે. ત્યારે હાલ તો રાજકોટ મહાનગરપાલિકાની આખરી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નાણાકીય દૃષ્ટિએ જમ્બો બેઠક બની ચૂકી હોવાનું સામે આવ્યું છે.
Rajkot,Rajkot,Gujarat
Mar 05, 2026 10:11 PM IST

