Final Up to date:
યશની ફિલ્મ ટોક્સિકની રિલીઝ ડેટ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. 4 જૂને હવે ટોક્સિક રિલીઝ થશે જેથી રણવીર સિંહની ફિલ્મ ધુરંધરને હવે ખુલ્લું મેદાન મળી ગયું છે. ખાડી દેશોમાં તણાવની સ્થિતિને લઈને આ ટોક્સિક પોસ્ટપોન કરવામાં આવી છે. જોકે હવે બોક્સ ઓફિસ પર બધાની ચાંપતી નજર છે અને રણવીર અને યશમાંથી વધારે કોણ મજબૂત છે તેને લઈને ચર્ચા શરૂ થઈ છે.
છેલ્લા કેટલાક દિવસોથી રણવીર સિંહની ધુરંધર 2 અને યશની ટોક્સિક ફિલ્મની ચર્ચા થઈ રહી છે. આ બંને બિગ બજેટ ફિલ્મ 19 માર્ચે ક્લેશ થવાની હતી. જોકે આજે અચાનકથી યશે ફિલ્મની રિલીઝ ડેટને પોસ્ટપોન કરી દીધી છે. ટોક્સિક હવે 4 જૂન 2026ને લઈને રિલીઝ થવાની છે. જેથી આ મુદ્દો હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. યશના ફેન્સ ટોક્સિક ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે હવે તેમને વધારે સમય રાહ જોવી પડશે.
ફિલ્મ પોસ્ટપોન કરવાનું કારણ ખાડી દેશોમાં ચાલી રહેલો તણાવ જણાવવામાં આવ્યું છે. જોકે આ નિર્ણયને કારણે રણવીર સિંહનો રસ્તો સાફ થઈ ગયો છે. પરંતુ એક નવી ચર્ચા શરૂ થઈ છે કે રણવીર સિંહની સામે યશની ટોક્સિક ફિલ્મનું પરિણામ કેવું આવત. બોક્સ ઓફિસ અને ગ્લોબલ રેકોર્ડ પ્રમાણે આ બંને ફિલ્મને લઈને આજે વિગતવાર વાત કરીશું.
2007માં કેજીએફ સ્ટાર યશે જંબાડા હુદુગી ફિલ્મથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો અને 2008 તેના માટે ખાસ રહ્યું. તેણે મોગ્ગિના મનાસુમાં કામ કર્યું આ ફિલ્મના સેટ પર તેની મુલાકાત રાધિકા પંડિત સાથે થઈ અને બાદમાં તે તેની લાઈફ પાર્ટનર બની. 2008માં તેની ફિલ્મ રોકી રિલીઝ થઈ અને અહીંયાથી તેને એ રોકિંગ સ્ટાર નામ મળ્યું.
આ પછી યશની ગૂગલી, રાજા હુલી, મિસ્ટર એન્ડ મિસેજ રામાચારી જેવી ફિલ્મો આવી જેમાં તેને સારી સફળતા મળી. 2018માં યશની કેજીએફ ફિલ્મ આવી જેનાથી તે ગ્લોબલ સ્ટાર બન્યો. હવે ટોક્સિક ફિલ્મથી તે નવો ઇતિહાસ રચવાની તૈયારીમાં છે. યશની કેજીએફ 2 ફિલ્મે 125 કરોડ, કેજીએફ ફિલ્મે 250 કરોડ, મિસ્ટર એન્ડ મિસેજ રામાચારીએ 50 કરોડ, માસ્ટરપીસે 32 કરોડ અને સંથુ સ્ટ્રેટ ફોરવર્ડે 30 કરોડની કમાણી કરી હતી.
બીજી તરફ રણવીર સિંહે 2010માં બેન્ડ બાજા બારાત ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી અને આ તેની સુપરહિટ ફિલ્મ હતી. બાદમાં તેણે લેડીઝ વર્સેસ રિકી બહલ અને લુટેરા ફિલ્મ આવી જેમાં તેણે એક્ટિંગ દર્શકોને પસંદ આવી. આ પછી બાજીરાવ મસ્તાની અને પદ્માવત ફિલ્મે તેને સુપરસ્ટાર બનાવ્યો. જોકે ધુરંધર ફિલ્મમાં તેણે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી.
રણવીરની ધુરંધરે 1300 કરોડ, પદ્માવતે 572 કરોડ, સિમ્બાએ 400 કરોડ, બાજીરાવ મસ્તાનીએ 356 કરોડ અને રામલીલાએ 220 કરોડનો બિઝનેસ કર્યો હતો. જો યશ અને રણવીરની સરખામણી કરીએ તો રણવીર સિંહ ભારે પડે તેમ છે. કારણ કે તેની ફિલ્મોએ વધારે કમાણી કરી. જોકે યશની ફિલ્મોએ બિઝનેસ ઓછો એટલા માટે કર્યો કારણ કે તે કર્ણાટકના બજાર સુધી સીમિત હતી. કેજીએફ ફ્રેન્ચાઈઝી સાથે યશે પોતાની ઓળખ દેશભરમાં બનાવી. જ્યારે રણવીરની ફિલ્મો પહેલાથી દેશભરમાં રિલીઝ થતી હતી. હાલ યશની બ્રાન્ડ વેલ્યૂ કોઈ પણ મોટા બોલિવૂડ સ્ટાર બરાબર છે. આ જ કારણ છે કે તે રામાયણ જેવી મોટી ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે યશની ફિલ્મ પોસ્ટપોન થતા રણવીર સિંહને 19 માર્ચે ખુલ્લું મેદાન મળી ગયું છે. ધુરંધર 2 હવે મોટા પ્રમાણમાં બિઝનેસ કરી શકશે. બીજી તરફ યશ પણ જૂનમાં ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. હવે જોવાનું એ રહેશે કે શું યશની ટોક્સિક રણવીર સિંહની ધુરંધરનો રેકોર્ડ તોડી શકશે કે નહીં. સાથે જ ધુરંધર 2 કેટલી કમાણી કરશે તેના ઉપર પણ એક્સપર્ટોની હવે નજર છે.
Mar 04, 2026 10:17 PM IST

