સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે ઉનાળો આકરો સાબિત થાય છે. ત્યારે ચાલુ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમી તમામ રેકોર્ડ તોડી નાંખે તેવી સંભાવના છે. કારણ કે હાલ માર્ચ મહિનાની શરૂઆત છે. ત્યારે જ સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાનનો પારો 41.7 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. મહત્વનું છે કે આગ ઓકતી ગરમીને કારણે સ્થાનિકોએ હેરાન-પરેશાન થઈ ગયા છે. તો બીજી તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ આગામી 13 માર્ચ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જિલ્લામાં દિવસ દરમિયાન તો ગરમી જોવા મળી રહી છે. પરંતુ રાત્રિના સમયે પણ ગરમ પવન ફૂંકાશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. એટલે દિવસભર ગરમીમાં શેકાયેલા લોકોને રાત્રે પણ ગરમીમાંથી રાહત નહીં મળે. ત્યારે હવે આ કાળઝાળ ગરમીથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો શેરડીનો રસ, લીંબુ શરબત સહિતના ઠંડા પીણા પી ગરમીમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમજ બપોરના સમયે શહેરના મુખ્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર નહિવત જોવા મળી રહ્યો છે.
Source link
