Final Up to date:
વિશ્વ મહિલા દિવસના અવસર પર મહિલાઓના આરોગ્ય અને માનસિક સંતુલન વિશે નવી દૃષ્ટિ રજૂ કરવામાં આવી છે. મેડિકલ એસ્ટ્રોલોજી અનુસાર કેટલાક ગ્રહો સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખાસ અસર કરે છે. જ્યોતિષાચાર્ય હેમંત કુમારના જણાવ્યા મુજબ ચંદ્ર, શુક્ર અને મંગળ જેવા ગ્રહો સ્ત્રીઓના સ્વભાવ, હોર્મોનલ સંતુલન અને આત્મવિશ્વાસ સાથે નજીકથી જોડાયેલા માનવામાં આવે છે.
રાજકોટ: દર વર્ષે 8 માર્ચે વિશ્વભરમાં મહિલા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ મહિલાઓના સન્માન અને તેમના યોગદાનને માન આપવાનો અવસર છે. આજના સમયમાં મહિલાઓ પરિવાર, સમાજ અને વ્યવસાયિક જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પરંતુ વ્યસ્ત જીવનશૈલી વચ્ચે મહિલાઓ ઘણી વખત પોતાના આરોગ્ય પર પૂરતું ધ્યાન આપી શકતી નથી. મેડિકલ એસ્ટ્રોલોજી અનુસાર આપણા જીવનમાં ગ્રહોની સ્થિતિ માત્ર ભવિષ્યને નહીં પરંતુ શરીર અને મનના સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. ખાસ કરીને સ્ત્રીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર કેટલાક ગ્રહોની અસર વિશેષ માનવામાં આવે છે.
એસ્ટ્રોલોજર હેમંત કુમાર કહે છે કે મેડિકલ એસ્ટ્રોલોજી મુજબ દરેક ગ્રહ આપણા શરીર અને મન પર અલગ અલગ અસર કરે છે. પ્રાચીન જ્યોતિષ શાસ્ત્ર મુજબ માનવ શરીર અને બ્રહ્માંડ વચ્ચે ગાઢ સંબંધ માનવામાં આવે છે. ખાસ કરીને સ્ત્રીઓના આરોગ્ય, ભાવના અને આંતરિક શક્તિ પર ચંદ્ર, શુક્ર અને મંગળ જેવા ગ્રહોની અસર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ગ્રહો સ્ત્રીના સ્વભાવ, ભાવનાત્મક સંતુલન અને જીવનશક્તિ પર પ્રભાવ પાડે છે.
વધુમાં જણાવ્યું હતું કે, ચંદ્ર મન અને ભાવનાઓનો પ્રતીક માનવામાં આવે છે. ચંદ્ર માનસિક શાંતિ, ભાવનાત્મક સંતુલન અને હોર્મોનલ બેલેન્સ સાથે જોડાયેલો છે. ખાસ કરીને સ્ત્રીઓમાં ચંદ્રનો સંબંધ માસિક ચક્ર અને માનસિક સ્થિરતા સાથે પણ જોડાય છે. જો ચંદ્ર મજબૂત હોય તો મન શાંત રહે છે અને વિચારશક્તિ સંતુલિત રહે છે. ચંદ્રને મજબૂત બનાવવા માટે નિયમિત ધ્યાન અને પ્રાણાયામ કરવો ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. પૂરતી અને ગુણવત્તાસભર ઊંઘ લેવાથી પણ મનને આરામ મળે છે. સોમવારના દિવસે દૂધ અને ચોખાનું દાન કરવું પણ ચંદ્રને મજબૂત બનાવવામાં સહાયક માનવામાં આવે છે.

વધુમાં કહ્યું હતું કે, શુક્ર ગ્રહ સુંદરતા, પ્રેમ અને પ્રજનન શક્તિનો પ્રતીક છે. શુક્ર સર્જનાત્મકતા અને જીવનમાં આનંદના તત્વ સાથે જોડાયેલો છે. જ્યારે શુક્ર મજબૂત હોય ત્યારે વ્યક્તિમાં આકર્ષણ, ખુશી અને સકારાત્મકતા વધે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે શુક્રનો પ્રભાવ આરોગ્ય અને વ્યક્તિત્વ બંનેમાં મહત્વનો ગણાય છે. શુક્રને મજબૂત બનાવવા માટે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જોઈએ. શુક્રવારના દિવસે સુગંધિત ફૂલોનો ઉપયોગ, રંગો અને સંગીત સાથે જોડાયેલી પ્રવૃત્તિઓમાં ભાગ લેવો તેમજ આનંદદાયક વાતાવરણમાં સમય પસાર કરવો લાભદાયક માનવામાં આવે છે.
તેમજ મંગળ ગ્રહ શક્તિ, હિંમત અને આત્મવિશ્વાસનો પ્રતીક છે. મંગળ ઊર્જા, સાહસ અને રક્ષણનો કારક માનવામાં આવે છે. મંગળ મજબૂત હોય તો વ્યક્તિમાં ઉત્સાહ અને કાર્યક્ષમતા વધે છે. ખાસ કરીને મહિલાઓ માટે મંગળ આત્મવિશ્વાસ અને હિંમતનો આધાર બની શકે છે. મંગળને મજબૂત બનાવવા માટે નિયમિત વ્યાયામ કરવો ખૂબ જ જરૂરી છે. મંગળવારના દિવસે હનુમાનજીની ઉપાસના કરવી અને જીવનમાં સકારાત્મકતા જાળવવી પણ મંગળના પ્રભાવને સકારાત્મક બનાવે છે.
હેમંત કુમાર કહ્યું હતું કે, જ્યોતિષીય ઉપાયો સાથે સાથે સ્વસ્થ જીવનશૈલી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવો, નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવો અને શરીરની સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. સાથે સાથે મનમાં સકારાત્મકતા જાળવવી પણ એટલી જ મહત્વની છે. મહિલા દિવસના અવસર પર દરેક મહિલાએ પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવાનો સંકલ્પ કરવો જોઈએ. જીવનની વ્યસ્તતા વચ્ચે થોડો સમય પોતાના માટે કાઢવો અને સેલ્ફ કેરની આદત વિકસાવવી ખૂબ જરૂરી છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત રહેશે ત્યારે જ મહિલાઓ જીવનના દરેક ક્ષેત્રમાં વધુ શક્તિ અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકશે.
