Bhooth Bangla Teaser : લગભગ 16 વર્ષ બાદ જાણીતા દિગ્દર્શક પ્રિયદર્શન અને અભિનેતા અક્ષય કુમાર ફરી એકવાર સાથે આવી રહ્યા છે. આ બંનેની નવી ફિલ્મ ભૂત બંગલાનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું છે, જેને જોઇે દર્શકોને ભૂલભૂલૈયાની યાદ આવી રહી છે. ભૂત બંગલા એક ડરામણી પણ મજેદાર કહાની પર આધારિત છે, ટીઝરમાં આપણને ઘણી હોરર ઘટનાઓની ઝલક મળે છે.
ફિલ્મની કહાનીની ઝલક
ટીઝરની શરૂઆત એક ડરામણી અને રહસ્યમય હવેલીના દ્રશ્યથી થાય છે. મંગલપુર ગામમાં એક ચેતવણી આપવામાં આવે છે કે અહીં કોઈના લગ્ન ના થાય, કારણ કે ખતરનાક આત્મા “વસુધર”ના આવવાનો ડર રહે છે. આ દરમિયાન લગ્નની તૈયારીઓ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે અને હવેલીમાં વિચિત્ર ઘટનાઓ શરૂ થાય છે.
આ દરમિયાન પરેશ રાવલ, રાજપાલ યાદવ અને અક્ષય કુમાર પોતાના રમૂજી ડાયલોગથી આપણને હસાવે છે, ભૂતિયા ઘટનાઓ ડર અને રોમાંચનો માહોલ છે. ટીઝર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મમાં હોરરની સાથે કોમેડીનો પણ ડોઝ જોવા મળશે.
ભૂત બંગલા ફિલ્મમાં અક્ષય કુમાર સાથે ઘણા જાણીતા કલાકારો જેમકે તબ્બુ, વામિકા ગબ્બી, જિશુ સેનગુપ્તા, મનોજ જોશી, મિથિલા પાલકર અને રાજેશ શર્મા પણ ચમકી રહ્યા છે. ફિલ્મ ભૂત બંગલા 10 એપ્રિલ 2026ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
ભૂત બંગલા શા માટે ખાસ છે?
- અક્ષય અને પ્રિયદર્શનની જોડી લાંબા સમય બાદ સાથે આવી છે.
- આ જોડી પહેલાથી જ ગરમ મસાલા, ભાગમ ભાગ અને દે ધના ધન જેવી ઘણી મોટી સફળ ફિલ્મો આપી ચૂકી છે.
- પ્રિયદર્શનની 2007ની પ્રખ્યાત હોરર-કોમેડી ભૂલ ભુલૈયા પછી આ જ શૈલીની બીજી ફિલ્મ માનવામાં આવે છે.
આ પણ વાંચો – ભૂત બંગલા એક્ટર અક્ષય કુમારે મનપસંદ ફૂડ વિશે કર્યો ખુલાસો
આ સિવાય દિગ્ગજ અભિનેતા અસરાની પણ આ ફિલ્મમાં જોવા મળશે. ખાસ વાત એ છે કે આ અસરાનીની છેલ્લી ફિલ્મ હશે કારણ કે 20 ઓક્ટોબર 2025 ના રોજ 84 વર્ષની વયે તેમનું નિધન થયું હતું. આ ફિલ્મને બાલાજી મોશન પિક્ચર્સ પ્રોડ્યુસ કરી રહી છે જેમાં એકતા કપૂર, શોભા કપૂર અને અક્ષય કુમાર નિર્માતા છે.
