
રિક્ટર સ્કેલ પર 8.8 ની તીવ્રતાના ભૂકંપ પછી, રશિયા અને જાપાનમાં ભૂકંપથી નહીં પરંતુ સુનામીથી વિનાશ થઈ રહ્યો છે. બંને દેશોના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના ઊંચા મોજા જોવા મળ્યા છે. જ્યારે, અમેરિકા પણ આ અંગે એલર્ટ મોડ પર છે. આજે બુધવારે સવારે રશિયાના પૂર્વ કિનારાના કામચટકામાં એક પ્રચંડ ભૂકંપ આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આજે આવેલ ભૂકંપનો આચંકો એક દાયકાનો સૌથી શક્તિશાળી ભૂકંપ છે. અમેરિકાએ તેને અત્યાર સુધીના ભૂકંપના આચંકાઓમાં 6ઠ્ઠો સૌથી તીવ્ર ભૂકંપ ગણાવ્યો છે.
1 / 5

જાપાન હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે, લગભગ 30 સેમી ઊંચા સુનામીનો પહેલો મોજો હોક્કાઇડોના પૂર્વ કિનારા પર સ્થિત નેમુરો પહોંચ્યો હતો. પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે હવાઈ, ચિલી, જાપાન અને સોલોમન ટાપુઓના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભરતીના સ્તરથી એક થી ત્રણ મીટર ઉપર મોજા ઉછળવાની સંભાવના છે. રશિયા અને ઇક્વાડોરના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ મીટરથી વધુ ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે.
2 / 5

આતંરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના જણાવ્યા અનુસાર, સુનામીના મોજાએ પહેલા કામચાટકામાં વિનાશ વેર્યો હતો. આના કારણે, સેવેરો-કુરિલ્સ શહેરના બંદર અને ફિશ પ્રોસેસિંગ પ્લાન્ટમાં પાણી ભરાઈ ગયા હતા. રશિયન સરકારે કહ્યું છે કે, એક કિન્ડરગાર્ટન બિલ્ડિંગને નુકસાન થયું છે, પરંતુ મોટાભાગની ઇમારતો સારી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
3 / 5

સોશિયલ મીડિયા પર સુનામી સંબંધિત ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પ્રચંડ ભૂકંપ પછી, ઓછામાં ઓછી 4 વ્હેલ માછલી દરિયાકાંઠે તણાઈ આવી હતી. સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવ્યા પછી, જાપાનના હોક્કાઇડોમાં લોકો ઈમારતની છત પર ચઢી ગયા. અમેરિકા અને ફિલિપાઇન્સના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
4 / 5

રશિયાની સખાલિન સરકારે કહ્યું છે કે, ‘ઉત્તરી કુરિલ જિલ્લામાં જ્યાં આજે સુનામી અને ભૂકંપ આવ્યો હતો ત્યાં કટોકટીની સ્થિતિ લાદવામાં આવી છે.’પૂર્વી રશિયાના ગવર્નરે લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવાની અપીલ કરી છે. આતંરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના અહેવાલ મુજબ, સુનામીના મોજા 4 મીટર ઊંચા હતા અને ઘણા વિસ્તારોમાં ભારે વિનાશ લાવી રહ્યા છે. ( તમામ તસવીરો સૌજન્ય-PTI )
5 / 5
વિશ્વના વિવિધ દેશમાં આકાર પામતી ધટના, મહત્વના બનાવો, રાજકીય, સામાજીક, મનોરંજન, ખેલકૂદ સહીતની બાબતોને સ્પર્શતા સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો