Final Up to date:
વાયરલ વીડિયો શાહપુર પટોરી વિસ્તારના ચકરાંજલી ગામનો હોવાનું કહેવાય છે. યુવકે એક વીડિયો પણ જાહેર કર્યો છે.
સમસ્તીપુર: બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી ફરી એક વાર પકડીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે. આખી ઘટના જિલ્લાના શાહપુર પટોરી વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. અહીં એક યુવકને અમુક લોકોએ નશીલો પદાર્થ ખવડાવી દીધો હતો. જે બાદ યુવકને પકડી લોકોએ કિડનેપ કરી લીધો. બેભાન અવસ્થામાં યુવકના બળજબરીપૂર્વક લગ્ન કરાવી દીધા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુવકે એક વીડિયો જાહેર કરી મદદ માગી છે.
વાયરલ વીડિયો શાહપુર પટોરી વિસ્તારના ચકરાંજલી ગામનો હોવાનું કહેવાય છે. યુવકે એક વીડિયો પણ જાહેર કર્યો છે. વીડિયોમાં યુવક ખુદને બંધક ગણાવતા મદદ માગી રહ્યો છે. યુવકનો આરોપ છે કે તેને 24 કલાકથી તાળા મારીને બંધ રાખ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં યુવકની ઓળખ કાલેશ્વર રાય 23 વર્ષીય પુત્ર નીતિશ કુમાર તરીકે થઈ છે. પરિવારના જણાવ્યા અનુસાર, નીતિશ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તે ઘરેથી ભણવા માટે લાઈબ્રેરી જવા નીકળ્યો હતો. પણ મોડી રાત સુધી પાછો આવ્યો નહીં. જ્યારે પરિવારે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે ગામના અમુક લોકોએ તેને પકડી લગ્ન કરાવી દીધા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે લગ્ન દરમિયાન યુવકની તબિયત અચાનક ખરાબ થઈ જાય છે અને તે બેભાન અવસ્થામાં છે. તેમ છતાં લોકોએ તેને પકડી લગ્નની વિધિ પૂરી કરી. આ સમગ્ર મામલા પર પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી લેખિતમાં કોઈ ફરિયાદ નથી આવી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તેમને આ ઘટનાની જાણકારી મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા મળી છે. વાયરલ વીડિયોના આધાર પર આ મામલે તપાસ ચાલી રહી છે. હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 11, 2026 10:00 PM IST

