Terrorist Arrested : દેશની રાજધાની દિલ્હીમાં આતંકી ષડયંત્રને અંજામ આપવાના પ્રયાસનો ખુલાસો થયો છે. આ કેસમાં તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાંથી આઠ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક બાંગ્લાદેશી નાગરિક પણ હોવાનું કહેવાય છે.
કોની ધરપકડ કરવામાં આવી હતી?
ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાં મિઝાનુર રહેમાન, મોહમ્મદ શહજાદ, ઉમર, મોહમ્મદ લિટન, મોહમ્મદ શાહિદ અને મોહમ્મદ મુજીબનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, તેમની પાસેથી ઘણા મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવ્યા છે. પોલીસે પશ્ચિમ બંગાળમાંથી વધુ બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે, આ સાથે ધરપકડ કરાયેલા શંકાસ્પોદની કુલ સંખ્યા આઠ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે બધા આતંકવાદી ગતિવિધિઓમાં સહકાર આપી રહ્યા હતા અને ઘણા શહેરોની મુલાકાત લીધી હતી.
તામિલનાડુમાં, આ આરોપીઓને ઉથુકુલીથી, પલ્લાદમ માંથી ત્રણ અને તિરુમુરુગનપોંડી વિસ્તારમાંથી એકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ આરોપીઓ ગારમેન્ટ સેક્ટરમાં કામ કરતા હતા અને નકલી ઓળખપત્રની મદદથી લાંબા સમયથી રહેતા હતા.
પોલીસ તપાસમાં શું બહાર આવ્યું?
પોલીસને બાતમી મળી હતી કે આ લોકો દેશના જુદા જુદા ભાગોમાં કાવતરું રચી શકે છે. જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મોટી માત્રામાં મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા મોબાઇલ ફોનની હાલ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે કેટલાક આરોપીઓના પાકિસ્તાન સાથે સંબંધ હોઈ શકે છે. તે જ સમયે, બાંગ્લાદેશમાં કેટલાક કટ્ટરપંથી સંગઠનો સાથેના સંપર્કો પણ સામે આવ્યા છે.
ફ્રી કાશ્મીરના પોસ્ટર કોણે લગાવ્યા?
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ દિલ્હી એઆઈ સમિટ દરમિયાન મેટ્રો સ્ટેશનની બહાર ‘ફ્રી કાશ્મીર’ના પોસ્ટર પણ લગાવ્યા હતા. તમામ આરોપીઓ એકબીજાના સંપર્કમાં હતા અને સોશિયલ મીડિયા દ્વારા વાતચીત કરી રહ્યા હતા. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે દિલ્હી પોલીસને શનિવારે હાઇ એલર્ટ પર રાખવામાં આવી હતી. આતંકીઓ લાલ કિલ્લા નજીક મોટી ઘટના અંજામ આપી શકે છે તેવી માહિતી મળી હતી. હાલ આ કેસની વિસ્તૃત તપાસ ચાલી રહી છે.
