Final Up to date:
ચીનના ગાંસૂ પ્રાંતના લાનઝોઉ શહેરમાં રહેતી એક મહિલા, જેનું નામ વાંગ છે. રાતના સમયે ન્હાયા બાદ પોતાના ઘરના સોલર વોટર હીટરનો નળ બંધ કરવાનું ભૂલી ગઈ.
ક્યારેક ને ક્યારેક આપણી નાની એવી બેદરકારી એટલી મોટી મુસીબત બની જાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકાય. વિચારો તમે સવારે ઘરની બહાર નીકળો અને આપની કોલોનીમાં રસ્તા અચાનક આઈસ સ્કેટિંગ રિંકમાં બદલાઈ જાય તો? લોકો લપસવા લાગશે, ગાડીઓ થંભી જશે અને ચારે તરફ બરફ જ બરફ દેખાશે. ચીનમાં એક મહિલાની નાની એવી ભૂલથી કંઈક આવું જ થયું છે. ન કોઈ તોફાન આવ્યું, ન બરફવર્ષા થઈ, છતાં આખા વિસ્તારમાં રાતોરાત બરફ જામી ગયો. આ અજીબોગરીબ ઘટના હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે અને લોકો નવાઈની સાથે હસી રહ્યા છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, ચીનના ગાંસૂ પ્રાંતના લાનઝોઉ શહેરમાં રહેતી એક મહિલા, જેનું નામ વાંગ છે. રાતના સમયે ન્હાયા બાદ પોતાના ઘરના સોલર વોટર હીટરનો નળ બંધ કરવાનું ભૂલી ગઈ. આમ તો આ નાની એવી ભૂલ લાગશે, પણ તે રાતે તાપમાન માઈનસ 8 ડિગ્રી સેલ્સિયસ હતું. આવા સમયે ટાંકીમાંથી સતત પાણી વહી જવાના કારણે અને આટલી ઠંડીના કારણે પાણીનો બરફ થઈ ગયો.
મહિલાએ જણાવ્યું કે પાણી લગભગ નવ કલાક સુધી સતત નળમાંથી વહેતું રહ્યું. છત પર લાગેલી ટાંકીથી પાણી નીચે રોડ પર પડતું રહ્યું અને કડકડતી ઠંડીમાં ધીમે ધીમે આખો રોડ બરફની મોટી પરતમાં બદલાઈ ગયો. સવારે જ્યારે લોકો ઊઠ્યા, તો તેમણે જોયું કે આખી કોલોનીના રોડ લપસણા થઈ ગયા. એવું લાગતું હતું જાણે કોઈએ જાણી જોઈને આઈસ સ્કેટિંગ ટ્રેક બનાવી દીધો હોય. સવારે જ્યારે 6 વાગ્યે આ મહિલાના પિતા રોજની માફક ચાલવા નીકળ્યા તો તેમણે જોયું કે રોડ પર બરફ જામેલો છે અને પાણી હજુ પણ વહી રહ્યું હતું. શરૂઆતમાં તેમને લાગ્યું કે આ પાણી કોઈ પાડોશીના ઘરમાંથી વહી રહ્યું હશે. પણ થોડી વાર બાદ જાણવા મળ્યું કે પાણી તો પોતાના જ ઘરની ટાંકીમાંથી વહી રહ્યું હતું. આ જોઈ આખો પરિવાર ચોંકી ગયો.
ભૂલનું ભાન થતાં જ પરિવારે તરત કાર્યવાહી શરૂ કરી દીધી. મહિલાની માતા નજીકની દુકાનમાંથી મીઠું ખરીદી લાવ્યા, જેથી બરફ પીગળી જાય. પિતા અને મહિલા ખુદ પણ પાવડો લઈને રોડ સાફ કરવા લાગ્યા. કોલોનીના પ્રોપર્ટી મેનેજમેન્ટ સ્ટાફે પણ તેમની મદદ કરી અને રસ્તો સાફ કરાવ્યો. આ ઘટના બાદ મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી બધાની માફી માગી. સારી વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ ઘાયલ નથી થયું. જો કે આ ઘટનાએ લોકોને એક વાતની શીખ આપી છે કે શિયાળામાં નાની એવી ભૂલ મોટી મુસીબતનું કારણ બની શકે છે.
Feb 06, 2026 11:46 PM IST

