Final Up to date:
દ્વારકા 61 વર્ષીય વૃદ્ધ સાથે લૂંટનો એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જેમા 2 મહિલાઓ વૃદ્ધને ગાર્ડનમાં લઈ ગઈ જ્યા અજાણ્યા શખ્સોએ વૃદ્ધને માર મારીને તેનો ફોન લઈ લીધો હતો. બાદમાં તેના ફોનમાંથી 39 હજાર રૂપિયા ગૂગલ પે થી ટ્રાન્સફર કરી ઉપાડી લીધા હતા.
આરોપીઓ પોલીસના જાપ્તામાં
61 વર્ષીય જગદીશ દવે નામના રિટાયર્ડ વ્યક્તિ દ્વારા બે અજાણી મહિલા તેમજ ત્રણ અજાણ્યા પુરુષો વિરુદ્ધ રૂપિયા 43 હજારની લૂંટ ચલાવવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ મંગળવારના રોજ દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 115 (2), 310 (2), 352, 61(2) સહિતની કલમ હેઠળ નોંધાવવામાં આવી હતી. જેમાં દ્વારકા પોલીસ દ્વારા ગણતરીની જ કલાકોમાં તમામ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સુરત: 112 કરોડથી વધુનું આંતરરાષ્ટ્રીય ફ્રોડ કરનારી ગેંગ ઝડપાઈ, આરોપીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા
2 મહિલાઓ વૃદ્ધને ગાર્ડનમાં લઈ ગઈ
ફરિયાદી જગદીશ દવેએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, “મંગળવારના રોજ સવારના 11:30 વાગ્યા આસપાસ હું ભડકેશ્વર મંદિર ખાતે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં બે સ્ત્રીઓ મારી પાસે આવીને મને કહ્યું હતું કે, ‘અમે વાંકાનેરથી આવીએ છીએ. અમે અહીંયા કશું જોયું નથી. અમને પટેલ સમાજ તરફ મૂકી જાવ.’ તેવું કહેતા તે બંનેને મેં મારા મોટરસાઇકલમાં બેસાડીને પટેલ સમાજ તરફ મુકવા જતો હતો. ત્યારબાદ બંને સ્ત્રીઓએ મને પટેલ સમાજની સામે આવેલા ગાર્ડનમાં અંદર મૂકી જવા જણાવ્યું હતું. તેમજ મને કહ્યું હતું કે ‘તમે અમારી સાથે ગાર્ડનમાં આવો આપણે ગાર્ડનમાં બેસીશું’ તે પ્રકારની મને લાલચ આપતા અમે ગાર્ડન પાસે પહોંચ્યા હતા.”
વૃદ્ધને માર મારી ફોન લઈ લીધો
“ગાર્ડનમાં બેસ્યા બાદ થોડીક જ વારમાં ત્યાં ત્રણ અજાણ્યા પુરુષો આવી જતા મને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગ્યા હતા. તેમજ ઢીકા પાટુનો માર પણ માર્યો હતો. તો સાથે જ મને ધમકી આપીને કહેવા લાગ્યા હતા કે, ‘તારી પાસે જેટલા પણ પૈસા હોય તે મને આપી દે’ જેથી મેં કહ્યું હતું કે મારી પાસે પૈસા નથી. ત્યારબાદ મારી પાસેથી મારો મોબાઇલ જૂઠવી લઈ તેનો પાસવર્ડ લઈ મારા મોબાઈલમાં રહેલા google pay માં ચેક કરીને જેમાં 39,000 રૂપિયા બતાવતા હતા. ત્યારબાદ બે સ્ત્રીઓ અને તે અજાણ્યા પુરુષ મારો ફોન લઈને ત્યાંથી જતા રહ્યા હતા. તેમજ થોડીવારમાં મને મારો મોબાઇલ પાછો આપીને જતા રહ્યા હતા. મેં મારો મોબાઇલ ફોન ચેક કરતા જીએન બારાઈ નામના આઈડીમાં 39 હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જે એકાઉન્ટ દ્વારકા બસ સ્ટેશનની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ વાળાનું હોવાનું સામે આવ્યું હતું.”
આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં વધુ 2 આરોપીઓના નામ સામે આવ્યા, ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં મોટા ખુલાસા
પેટ્રોલપંપ પર 39 હજાર ટ્રાન્સફર કરી કેશ લીધા
સમગ્ર મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણ્ય વ્યક્તિથી આવ્યો હતો અને તેમને રોકડા રૂપિયાની જરૂરિયાત હોવાનું તેમને જણાવતા ક્યુઆર સ્કેન કોડ કરી પેટ્રોલ પંપ વાળા પાસેથી તેમણે 39,000 લીધા હતા. તેમજ આરોપીઓ દ્વારા દ્વારકા શહેર ખાતે બે દિવસ પૂર્વે અનિલ લાલ મગનલાલ નામના વ્યક્તિ પાસેથી પણ આ જ પ્રકારે ટ્રેપ ગોઠવી 4000 રૂપિયાની લૂંટ ચલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આરોપીઓમાં 2 દંપત્તિ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ આરોપીઓ પૈકી ચાર આરોપીઓ એકબીજાના પતિ-પત્ની થતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે કે અન્ય પુરુષ આરોપી બે દંપતી પૈકી એકનો જમાઈ થતો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની હાલ પૂછપરછ ચાલી રહી છે તેમજ તેઓ કેટલા સમયથી આ પ્રકારના ગુના આચરી રહ્યા છે તે બાબતે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Dwarka,Jamnagar,Gujarat
November 20, 2024 11:36 PM IST