Final Up to date:
મધ્યપ્રદેશ ખાતે પરણાવેલી દાહોદ જિલ્લાની દીકરીને લગ્નના થોડા દિવસ બાદ જ સસરાએ કેફી દ્રવ્ય પીવડાવ્યા બાદ દુષ્કર્મ આચતા પીડિતા મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો છે, જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
દાહોદ: હાલના કળિયુગી સમયમાં ‘સાવધાન ઈન્ડિયા’ અને ‘ક્રાઈમ પેટ્રોલ’ જેવી ક્રાઈમ, થ્રિલર અને સસ્પેન્સ પર આધારિત સિરિયલની કહાનીને પણ ટક્કર આપે તેવો સાચો અને કાળજું કંપાવતો કિસ્સો તાજેતરમાં ગુજરાત-મધ્યપ્રદેશના સરહદી પંથક દાહોદથી સામે આવી રહ્યો છે. જ્યાં મધ્યપ્રદેશમાં પરણેલી દાહોદની પરિણીત દીકરી પર લગ્નના એક મહિનાના જ ટૂંકાગાળામાં તેના કળિયુગી સસરાએ કેફી દ્રવ્ય પીવડાવી દુષ્કર્મ આચરતા આ દીકરીએ મોતને વહાલું કરવાનો પ્રયાસ કર્યો છે. જોકે સદભાગ્યે સસરાની વાસનાનો ભોગ બનેલી આ પરિણીતા દીકરી બચી ગઈ છે. પરંતુ આ ચકચારી બનાવની મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી વિસ્તારમાં ભારે ખળભળાટ મચ્યો છે અને પોલીસે પણ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર, દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક પરિવારની દીકરીના એક મહિના અગાઉ 25 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ પાસે ઉદેગઢ ગામે લગ્ન થયા હતા. સામાજિક લગ્ન પ્રસંગની વિધિ પત્યા બાદ દીકરીનું પહેલું આણું લગ્નના ત્રીજા દિવસે કરી દીકરીને ઘરે લઈ આવ્યા હતા. ત્યાર બાદ તારીખ 7 ફેબ્રુઆરીના રોજ તેના પિતાએ દિલ ઉપર પથ્થર મૂકી હસતા મોઢે પોતાની વ્હાલ સોઈ દીકરીને નવો ઘરસંસાર માંડવા તેના પતિ સાથે વિદાય કરી હતી. ભગવાનથી કામના કરી હતી કે, તેની દીકરી અને તેનો પરિવાર સદાય હસતો રહે ખુશ રહે પરંતુ આગામી 72 કલાકમાં આ દીકરી સાથે શું થવાનું હતું તે કોઈને કલ્પના નહોતી.
દાહોદ જિલ્લાથી પોતાના સાસરે ઉદેગઢ ગયા બાદ બીજા દિવસે તેના સસરાની પુત્રવધૂ ઉપર દાનત બગડી હતી અને નવોઢાનો પતિ કોઈક કામ અર્થે બહાર ગયો હતો, તે દરમિયાન 9 ફેબ્રુઆરીના રોજ નરાધમ સસરાએ પુત્રવધૂને કેફી દ્રવ્ય મેળવેલી ચોકલેટ ખાવા આપી હતી. જે ખાધા બાદ નવપરિણીત મહિલા બેભાન થઈ ગઈ હતી. બાદમાં આ નરાધમ સસરાએ તેની દીકરી સમાન કહેવાથી પુત્રવધૂ જોડે બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું.
ઘટનાના થોડા સમય બાદ પરણીતા ભાનમાં આવતા લઘરવઘર વસ્ત્રો અને ગુપ્તાંગના ભાગેથી રક્તસ્ત્રાવ સાથે પીડા કણસતા તે સંપૂર્ણ રીતે ભાંગી પડી હતી. જેથી સાસરીયા પિતાના દુષ્કૃત્યનો ભોગ બનેલી દીકરીએ જિંદગીભરના પાલક પિતાને કેવી રીતે દુર્ઘટનાનું વર્ણન કરીશ તેવું વિચારી મોતને વહાલું કરવા ઘરના પહેલે માળેથી ભોંય પર ઝંપલાવ્યું હતું. જોકે સદભાગ્યે સસરાની વાસનાનો ભોગ બનેલી મહિલા પરણીતા બચી ગઈ છે.
બાદમાં આપઘાતનો પ્રયાસ કરનાર આ પરિણીતાને દાહોદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી અને તેના પિતાને જાણ કરતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ નવ પરણિત મહિલાએ તેના પિતાને સસરાની કાળી કરતૂતની સઘળી હકીકત તૂટક ભાષામાં વર્ણવી હતી. જે જાણતા જ તેના પિતાના પગ તળેથી જમીન ખસી પડી હતી.
ઘટના જાણતા જ પિતા ચૌધાર આંસુએ રડવા લાગ્યા હતા અને થોડાક સમય બાદ તેની દીકરીને ન્યાય અપાવીને જપીશ તેવા દૃઢ સંકલ્પ સાથે તેના પિતાએ દાહોદ બી ડિવિઝન પોલીસ પાસે મદદ માંગી હતી. જ્યાં પિતાની રજૂઆત અને દીકરીની હાલત તથા આપવીતી જાણ્યા બાદ ગંભીર અને સંવેદનશીલ બનેલી પોલીસે તાત્કાલિક ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી મધ્યપ્રદેશની પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી અને તેમને દાહોદ ખાતે બોલાવ્યા હતા.
હાલ સસરાના દુષ્કર્મનો ભોગ બનેલી દાહોદની દીકરી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. તો બીજી તરફ દીકરી સમાન પુત્રવધૂ પર વાસના સંતોષ્યા ઘટના બાદ આરોપી નરાધમ સસરો ફરાર થઈ ગયો હોવાની માહિતી હાલ સામે આવી રહી છે. ત્યારે આ મામલે દાહોદ પોલીસે એમપી પોલીસને જાણ કર્યા બાદ હવે એમપી પોલીસ આ મામલે તપાસ હાથ ધરી આરોપી સસરાને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે.
Feb 12, 2026 12:45 PM IST

