Final Up to date:
સુરત: ધુળેટીના દિવસે અમોલ શંભાજી પાટીલ પર તેની પત્ની મમતા અને તેના મિત્ર સતિલાલ ઉર્ફે બુમલોએ જીવલેણ હુમલો થયો હતો. જેના કારણે અમોલને ગંભીર ઇજા થઈ છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત: શહેરના લિંબાયત વિસ્તારમાં ધુળેટીના દિવસે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ડિવોર્સ મુદ્દે પતિ પર પત્ની અને તેના મિત્ર દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સર્જરી કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, લિંબાયત વિસ્તારમાં રહેતા અમોલ શંભાજી પાટીલ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અમોલ અને તેની પત્ની મમતા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરેલું મતભેદ ચાલતા હતા. આશરે આઠ વર્ષ પહેલાં બંનેના લગ્ન થયા હતા અને દંપતીને પાંચ વર્ષનો એક પુત્ર પણ છે. જોકે પારિવારિક વિવાદને કારણે છેલ્લા આઠ મહિનાથી પતિ-પત્ની અલગ રહેતા હતા.
પોલીસ સૂત્રો મુજબ, ઘટના સમયે ધુળેટીના દિવસે લિંબાયત નંબર-1 વિસ્તારમાં પ્લોટ નંબર 224 નજીક મમતાએ વાતચીત કરવાના બહાને તેના પતિ અમોલને રસ્તામાં રોક્યો હતો. આ દરમિયાન ડિવોર્સ મુદ્દે બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બોલાચાલી ચાલી રહી હતી ત્યારે મમતાનો મિત્ર સતિલાલ ઉર્ફે બુમલો ત્યાં આવી પહોંચ્યો હતો. “ડિવોર્સ કેમ નથી આપતો?” એવી વાત કહી સતિલાલે અમોલ પર અચાનક હુમલો કર્યો હતો. સતિલાલે તીક્ષ્ણ ચપ્પુ વડે અમોલના પગ અને માથામાં ઘા ઝીંક્યા હતા. અચાનક થયેલા હુમલામાં અમોલ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો.
હુમલો કર્યા બાદ આરોપી પત્ની મમતા અને તેનો મિત્ર સતિલાલ ઉર્ફે બુમલો બંને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે ઘટનાની જાણ થતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત અમોલને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરો દ્વારા તેની હાલત ગંભીર હોવાને કારણે સર્જરી કરવાની તૈયારી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બાદમાં ઘટનાની જાણ થતાં લિંબાયત પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસે પ્રાથમિક તપાસના આધારે પત્ની મમતા અને સતિલાલ ઉર્ફે બુમલા સામે હત્યાના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે. આ બંને આરોપીઓ હાલ ફરાર હોવાથી તેમને ઝડપવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે ધુળેટી જેવા તહેવારના દિવસે બનેલી આ ઘટનાથી હાલ લિંબાયત વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.
Mar 07, 2026 11:49 PM IST

