Final Up to date:
ખાડી દેશોમાં યુદ્ધની સ્થિતિને લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો ઘણો જોખમી બની ગયો છે. જોકે આ મામલે હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે તેલ કંપનીઓ ડર્યા વગર હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો ઉપયોગ કરી શકે છે.
નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મોટું નિવેદન આપ્યું છે. ઓહિયો અને કેન્ટકી જતા સમયે ટ્રમ્પે અમેરિકી સૈનિકોને કહ્યું કે સૈન્ય અભિયાન યથાવત રહેશે અને જરૂર પડતા આનાથી મોટી કાર્યવાહી થઈ શકે છે. મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાનની સૈન્ય તાકાતને ઘણું નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે ઈરાને પોતાની નૌસેના ગુમાવી દીધી છે અને પોતાની એરફોર્સ ગુમાવી દીધી છે. સાથે જ તેમના મોટા નેતાઓ પણ હવે નથી રહ્યા. અમે ઈચ્છીએ તો આના કરતા પણ વધારે કડક કાર્યવાહી કરી શકીએ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે સૈન્ય અભિયાનને પૂરું કરવા અમેરિકાને હજુ શું કરવું પડશે? આ મામલે ટ્રમ્પે કહ્યું કે અમે એ જ કરતા રહીશું જે અત્યારે કરી રહ્યા છે અને જોઈશું કે આનું પરિણામ શું આવે છે. વિશ્વમાં તેલની સપ્લાયને લઈને મુખ્ય માર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને પણ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે તેલ કંપનીઓ દ્વારા આ રસ્તાનો બિન્દાસ્ત ઉપયોગ કરવો જોઈએ અને આનાથી ડરવાની કોઈ જરૂર નથી.
ટ્રમ્પે એવું પણ કહ્યું કે ઈરાનના સમર્થનના સમૂહ તરફથી અમેરિકાની જમીન પર હુમલાની આશંકાને લઈને વધારે ચિંતા નથી. તેમના પ્રમાણે અમેરિકાની સુરક્ષા એજન્સીઓ પૂરી રીતે સતર્ક છે અને કોઈ પણ સમસ્યાને પહોંચી વળવા માટે સક્ષમ છે. આ દરમિયાન ટ્રમ્પને એ રિપોર્ટ વિશે પૂછવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા દ્વારા કરવામાં આવેલ હુમલામાં ઈરાની સ્કૂલ નિશાન બની હતી. આ મામલે તેમણે કહ્યું કે મને આ વિશે જાણકારી નથી.
ઉલ્લેખનીય છે કે ખાડી દેશોમાં હાલ પરિસ્થિતિ વણસેલી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સતત ઈરાનના સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ઈરાન તરફથી પણ મિસાઈલ અને ડ્રોન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોમાં અહીંયા ભયનો માહોલ ફેલાયેલો છે. આ યુદ્ધની અસર ધીરે ધીરે હવે સમગ્ર દેશમાં જોવા મળી રહી છે.
New Delhi,Delhi
Mar 11, 2026 11:32 PM IST

