Final Up to date:
જેતપુર પંથકના ગામમાં 14 વર્ષના કિશોરે 6 વર્ષની કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું. 15 દિવસ બાદ તબીબી તપાસમાં દુષ્કર્મનો ઘટસ્ફોટ થયો. જેતપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી.
રાજકોટ: જેતપુર પંથકના એક ગામમાં અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. ધોરણ 9માં ભણતા સગીરે પોતાની જ 6 વર્ષની કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું છે. આ કિશોર બહેનને રમવા માટે ઘરની અગાશીમાં લઈ ગયો હતો. જ્યાં કિશોરે નાનકડી બાળાને પિંખી નાંખી હતી. આ બાળકીને 15 દિવસ પહેલા પેટમાં સતત દુખાવો થતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબી તપાસમાં દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થયો હતો. જેતપુર તાલુકા પોલીસે સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, જેતપુર પંથકના એક ગામમાં આ શરમજનક કિસ્સો બન્યો છે. 9માં ધોરણમાં ભણતા એટલે 14 વર્ષના સગીરે પોતાની જ 6 વર્ષની માસૂમ કૌટુંબિક બહેન પર દુષ્કર્મ આચર્યું છે. આ સગીર બાળકીને ચોર-પોલીસ રમવાના બહાને અગાશી પર લઈ ગયો હતો. જ્યાં રમત રમતમાં તેને પીંખી નાંખી હતી.
આ ભયાનક બનાવના 15 દિવસ બાદ બાળકીને પેટમાં સખત દુખાવો ઉપડ્યો હતો. જેના કારણે માસૂમ બાળકીએ જમવાનું છોડી દેતા પરિવારજનો હોસ્પિટલ દોડ્યા હતા. સરકારી હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન માસૂમ દીકરી સાથે દુષ્કર્મ થયાનો ઘટસ્ફોટ થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.
પરિવારે આ અંગે તાત્કાલિક જેતપુર તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ આ સગીર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માત્ર વીસ જ દિવસમાં જેતપુરમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મની આ બીજી ઘટના સામે આવતા પંથકમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ છવાયો છે.
Mar 11, 2026 11:52 AM IST

