Final Up to date:
જામનગરમાં જાણીતા ઓર્થોપેડિક સાથે છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં આરોપીઓ દ્વારા રોકાણની લાલચ આપીને ડોક્ટર પાસેથી 41.86 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે.
જામનગર: શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે લેટેસ્ટ ટાર્ગેટ શહેરના એક પ્રતિષ્ઠિત તબીબ બન્યા છે. જામનગરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. કે.એસ. મહેશ્વરી સાથે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹41.86 લાખની છેતરપિંડી આચરવામાં આવી છે. જાણીતા તબીબ સાથે છેતરપિંડીનો થયેલો આ બનાવ હાલ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
બનાવને લઈને જો વિગતવાર વાત કરીએ તો, જામનગરના પોષ વિસ્તાર એવા પાર્ક કોલોનીમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર વર્ષોથી પોતાની હોસ્પિટલ ચલાવતા ઓર્થોપેડિક સર્જન ડો. કે.એસ. મહેશ્વરીએ આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ‘આરકેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ’ નામની કંપનીના સંચાલકોએ ડોક્ટરનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી હતી.
આરોપીઓએ ડોક્ટર પાસેથી કુલ ₹41,86,346 મેળવી લીધા હતા. જોકે, આ રકમનું વળતર તો દૂર, રોકેલી મૂડી પણ પરત ન મળતા ડોક્ટરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. પોલીસે ડો. મહેશ્વરીની ફરિયાદના આધારે શેર બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે, જેમાં આરકેડિયા શેર એન્ડ બ્રોકર પ્રા. લિ.ના ડાયરેક્ટર નીતિન અમૃતલાલ, એન્ટોની સિક્વેટા, પ્રેમ એન્ટોની સિક્વેટા, યશ રમેશભાઈ બ્રહ્મભટ્ટ અને રમેશ અમૃતલાલ બ્રહ્મભટ્ટ સામે સિટી બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પાંચેય આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ હવે આ કંપનીના બેંક એકાઉન્ટ્સ અને ટ્રાન્ઝેક્શનની વિગતો મેળવી રહી છે. જેથી આ કૌભાંડનું મૂળ જાણી શકાય.
Jamnagar,Gujarat
Feb 18, 2026 11:04 PM IST

