Final Up to date:
Worldwide GK Affairs: જ્યારે દુનિયાના સૌથી ધનિક દેશોની વાત થાય છે, ત્યારે તેમાં સ્વિટઝર્લેન્ડનું નામ ચોક્કસ આવે છે. જો કે, સ્વિટઝર્લેન્ડ પાસે ઓઈલ, સોનું કે અન્ય કોઈ પ્રાકૃતિક સંસાધનો નથી. છતાં તે દુનિયાના ટોપ-10 સૌથી ધનિક દેશોમાં કઈ રીતે સામેલ છે? ચાલો જાણીએ વિગતવાર.
Worldwide GK Affairs: જ્યારે દુનિયાના સૌથી ધનિક દેશોની વાત થાય છે, ત્યારે તેમાં સ્વિટ્ઝર્લેન્ડનું નામ ચોક્કસ આવે છે. ફોર્બ્સની લિસ્ટ હોય કે ગ્લોબલ ફાઈનાન્સની રેન્કિંગ, સ્વિટ્ઝર્લેન્ડ હંમેશા ટોપ-10 સૌથી ધનિક દેશોની યાદીમાં સામેલ હોય છે. જો કે, અહીં ચોંકાવનારી વાત એ છે કે, સ્વિટ્ઝર્લેન્ડની આર્થિક સફળતા એ ઓઈલ, સોનું કે અન્ય કોઈ પ્રાકૃતિક સંસાધનો પર આધારિત નથી. સ્વિટ્ઝર્લેન્ડ પાસે તો સમુદ્ર સુધી જવાનો માર્ગ પણ નથી, જે તેને આર્થિક બૂસ્ટ આપી શકે. તો પછી સ્વિટ્ઝર્લેન્ડની કમાણી પાછળનો સ્ત્રોત શું છે? ચાલો જાણીએ વિગતવાર.
સ્વિટ્ઝર્લેન્ડમાં મોટા પર્વતો અને ખરબચડી જમીન છે, જ્યાં ન તો કૃષિ ઉત્પાદન થઈ શકે છે કે ન તો કોઈ હેવી ઇન્ડસ્ટ્રી લગાવી શકાય છે. આ ઉપરાંત ભયાનક ઠંડી અને હિમ વર્ષાને લીધે અહીંનું જનજીવન પણ ખૂબ જ મુશ્કેલ છે. આ લોજિક મુજબ તો સ્વિટ્ઝર્લેન્ડને ગરીબ દેશ હોવું જોઈએ, પછી તે સૌથી ધનિક દેશોમાં કઈ રીતે સામેલ થઈ ગયું? આ સવાલનો જવાબ સ્વિટ્ઝર્લેન્ડની વિદેશ નીતિ છે, જેનું પાલન કરી તે આર્થિક રીતે સમૃદ્ધ દેશ બની ગયું.
સ્વિટ્ઝર્લેન્ડની વિદેશ નીતિ દુનિયાના કોઈપણ દેશ કરતા તદ્દન અલગ છે. અન્ય દેશો સાથે કેવા સંબંધ રાખવા, યુદ્ધના સમયે શું કરવું, યુદ્ધની વચ્ચે ફસાયેલી દુનિયામાં પોતાને કઈ રીતે સમૃદ્ધ રાખવું, આ બધી બાબતો પર સ્વિટ્ઝર્લેન્ડની નીતિઓ ખૂબ જ સારી રહી છે. જેના લીધે તે આજે દુનિયાના સૌથી ધનિક દેશોમાં સામેલ છે.

19મી સદીમાં જ્યારે યુરોપના બધા દેશો વિસ્તારવાદ અને બીજા દેશોને ગુલામ બનાવવામાં લાગેલા હતા, ત્યારે સ્વિટ્ઝર્લેન્ડે પોતાને આ બધાથી દૂર રાખ્યું. તટસ્થ રહેવાનો તેમનો આ નિર્ણય તેમના માટે અત્યાર સુધીની સૌથી ફાયદાકારક નીતિ સાબિત થઈ. યુરોપના બીજા દેશોએ પણ સ્વિટ્ઝર્લેન્ડની આ નીતિને વૈશ્વિક માન્યતા આપી દીધી. જ્યારે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે તટસ્થ રહેવાના કારણે તેઓ પ્રથમ અને દ્વિતીય વિશ્વ યુદ્ધના વિનાશથી બચી ગયા. આ ઉપરાંત, જે દેશો યુદ્ધ લડી રહ્યા હતા તેઓ પોતાના પૈસા સ્વિટ્ઝર્લેન્ડ મોકલવા લાગ્યા, જેથી તે અહીંની બેન્કોમાં સુરક્ષિત રહે.
સ્વિટ્ઝર્લેન્ડની સફળતા પાછળ બેન્કિંગ સેક્ટર અંગે લેવાયેલો એક નિર્ણય પણ છે. અહીંની સરકારે 1934માં બેન્કિંગ સિક્રેસી એક્ટ (Swiss Banking Secrecy Act) બનાવ્યો. જે હેઠળ સ્વિસ બેન્કોમાં એકાઉન્ટ ખોલાવતા લોકોની ઓળખ જાહેર કરવાને ગુનો બનાવી દેવાયો. આ કાયદાએ સ્વિટ્ઝર્લેન્ડને દુનિયાનું સૌથી મોટું નાણાકીય કેન્દ્ર બનાવી દીધું. દુનિયાભરના ધનિક, ભ્રષ્ટ, શક્તિશાળી દરેક પ્રકારના લોકો અહીં પૈસા મોકલવા લાગ્યા. શાહી પરિવારથી લઈને હથિયારોના ડીલર સુધી બધાએ અહીં પૈસા જમા કરાવ્યા. જેના લીધે સ્વિટ્ઝર્લેન્ડ આજે પણ 2.4 ટ્રિલિયન ડોલરની વિદેશી સંપત્તિને મેનેજ કરે છે, જે બીજા કોઈપણ દેશ કરતા વધુ છે.
આ ઉપરાંત, સ્વિટ્ઝર્લેન્ડમાં લક્ઝરી ઘડિયાળો, એલિવેટર સિસ્ટમ, બાયોટેક, મેડટેક અને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની બોલબાલા છે. આ ઉપરાંત સ્વિટ્ઝર્લેન્ડની કમાણી પાછળ ટૂરિઝમનું પણ મોટું યોગદાન છે. અહીં દર વર્ષે 40 લાખથી વધુ લોકો ફરવા આવે છે. જે દેશના અર્થતંત્રમાં 3 ટકા જેટલું યોગદાન આપે છે. આ બધા પરિબળોના લીધે સ્વિટ્ઝર્લેન્ડ આજે દુનિયાના ટોચના ધનિક દેશોમાં સામેલ છે.
Feb 22, 2026 12:26 PM IST

