ચાર મગજની સર્જરી અને લકવા પછી પણ ન હારી હિંમત, જાણો ધ્વનિ શાહની પ્રેરણાદાયક સફર

ચાર મગજની સર્જરી અને લકવા પછી પણ ન હારી હિંમત, જાણો ધ્વનિ શાહની પ્રેરણાદાયક સફર

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

રાજકોટની પેરા ટેબલ ટેનિસ ખેલાડી ધ્વનિ ભાવેશભાઈ શાહ સંઘર્ષ અને આત્મવિશ્વાસનું પ્રેરણાદાયક ઉદાહરણ બની છે. ચાર મગજની સર્જરી અને લકવા જેવી ગંભીર પરિસ્થિતિઓ છતાં તેમણે હિંમત ન હારી અને મહેનતના બળે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક મેડલ જીતી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.

+

સૌરાષ્ટ્રની

સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ પર્સનાલિટી ધ્વનિ શાહ

રાજકોટ: ક્યારેક જીવન એવા પડકારો સામે મૂકે છે જ્યાં સામાન્ય માણસ માટે આગળ વધવું મુશ્કેલ બની જાય. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે મુશ્કેલીઓને જ પોતાની તાકાત બનાવી લે છે. રાજકોટની ધ્વનિ ભાવેશભાઈ શાહ એવી જ એક પ્રેરણાદાયક પેરા ટેબલ ટેનિસ ખેલાડી છે, જેમણે ચાર મગજની સર્જરી અને લકવા જેવી ગંભીર શારીરિક અડચણો હોવા છતાં હિંમત હાર્યા વગર ખેલકૂદમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. તેમની આ સફર સંઘર્ષ, આત્મવિશ્વાસ અને અદમ્ય ઇચ્છાશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.

રાજકોટની ધ્વનિ શાહ બાળપણથી જ રમતગમત પ્રત્યે ખૂબ રસ ધરાવતી હતી. પરંતુ જીવનમાં આવેલા મેડિકલ ઇમરજન્સીના કારણે તેમની રમતની સફર વચ્ચે જ અટકી ગઈ હતી. મગજની ચાર સર્જરી અને ત્યારબાદ લકવા જેવી પરિસ્થિતિએ સામાન્ય જીવન જીવવું પણ મુશ્કેલ બનાવી દીધું હતું. તેમ છતાં ધ્વનિએ પોતાની હિંમત અને આત્મવિશ્વાસ ગુમાવ્યો નહીં.

ધ્વનિ ભાવેશભાઈ શાહ કહે છે કે બાળપણથી જ તેમને સ્પોર્ટ્સનો ખૂબ શોખ હતો, પરંતુ મેડિકલ ઇમરજન્સીના કારણે તેમની રમતગમતની સફર અટકી ગઈ હતી. તે સમયે પેરા સ્પોર્ટ્સ વિશે એટલી જાણકારી પણ ન હતી કે તેઓ આ ક્ષેત્રમાં આગળ વધી શકે. થોડા સમય પછી જ્યારે તેમને પેરા સ્પોર્ટ્સ વિશે માહિતી મળી ત્યારે તેમણે ફરીથી રમતગમતમાં પાછા ફરવાનો નિર્ણય કર્યો અને પેરા ટેબલ ટેનિસ માટે તૈયારી શરૂ કરી હતી.

ધીમે ધીમે મહેનત અને સતત પ્રેક્ટિસના કારણે ધ્વનિએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી હતી. તેમણે ગુજરાતનું પ્રતિનિધિત્વ નેશનલ લેવલે ઘણી વખત કર્યું છે અને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. તેઓ નેશનલ સિલ્વર મેડલિસ્ટ છે તેમજ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ પણ જીત્યો છે. હાલ પેરા ટેબલ ટેનિસમાં તેમનું વિશ્વ રેન્કિંગ 23મું છે અને નેશનલ લેવલે તેમનું બીજું સ્થાન આવે છે.

તાજેતરમાં એક સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા જતી વખતે ધ્વનિ સાથે અકસ્માત થયો હતો. ટ્રેનમાંથી નીચે પડી જવાના કારણે તેમના હાથમાં ફ્રેક્ચર થયું અને હાથમાં પાટો બાંધવો પડ્યો હતો. છતાં પણ તેમણે હિંમત હારી નહીં અને ઇવેન્ટમાં ભાગ લીધો. આ ઇવેન્ટમાં તેમણે શાનદાર પ્રદર્શન કરીને એક ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવી કુલ ત્રણ મેડલ જીત્યા હતા. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં પણ ધ્વનિએ ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવ્યો છે. તેમની આ સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને તેમને સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ પર્સનાલિટી તરીકે ફુલછાબ 23 એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધ્વનિનું માનવું છે કે જીવનમાં સંઘર્ષો આવે તો પણ હિંમત અને આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ.

ધ્વનિના માતા કલ્પનાબેન ભાવેશભાઈ શાહ કહે છે કે બાળકોને હંમેશા આગળ વધારવા જોઈએ. જો બાળક માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ હોય તો પણ તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે અને જો કોઈ બાળક શારીરિક કે માનસિક રીતે મુશ્કેલીમાં હોય તો પણ તેને આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ. તેઓ કહે છે કે જીવનમાં ક્યારેય હિંમત હારવી નહીં, કારણ કે એક ખૂણે બેસી રહેવામાંથી ક્યારેય કંઈ મળતું નથી. કલ્પનાબેન કહે છે કે આજે મને ખૂબ ગર્વ છે કે લોકો તેમને તેમના પોતાના નામથી નહીં પરંતુ ધ્વનિ ભાવેશભાઈ શાહની માતા તરીકે ઓળખે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *