મહેસાણા: ઊંઝા પાંજરાપોળમાં એક હૃદયદ્રાવક ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 3 ગાય અને 4 પાડાના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ ઘાસમાં ‘ફૂગ’ હોવાને કારણે આ જીવલેણ અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે. મહત્વનું છે કે આ ઝેરી ઘાસની અસર પાંચ ગાયો પર થઈ હતી. જેમાંથી ત્રણ ગાયોના ટપોટપ મોત થયા હતા, જ્યારે અન્ય ચાર પાડાએ પણ જીવ ગુમાવ્યો હતો. જોકે, સંસ્થાના સમયસરના પગલાં અને પશુચિકિત્સકોની મદદથી બે ગાયોને મોતના મુખમાંથી ઉગારી લેવામાં સફળતા મળી છે. આ ઘટનાને પગલે ઊંઝા પંથકના પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઊંઝા પાંજરાપોળ જેવી સેવાભાવી સંસ્થામાં એકસાથે સાત પશુઓના મોત થતા જીવદયા પ્રેમીઓમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે પાંજરાપોળમાં અંદાજે 700 જેટલી ગાયોનો નિભાવ કરવામાં આવે છે. ત્યારે તાજેતરમાં જ અહીં પશુઓના ખોરાક માટે મકાઈનું લીલું ઘાસ મગાવવામાં આવ્યું હતું. જે બાદ અચાનક જ કેટલાક પશુઓની તબિયત લથડી હતી.
Source link
